crime
લઠ્ઠાકાંડ મામલે આમ આદમી પાર્ટીએ કર્યો ઊગ્ર વિરોધ:ભાવનગરમાં લઠ્ઠાકાંડથી 9 લોકોનાં મોત, આપ નેતા એ કહ્યું આ લઠ્ઠાકાંડ નથી પણ 'દારૂકાંડ' છે, હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી આપની માંગ
ભાવનગરમાં સર્જાયેલા ભયાનક લઠ્ઠાકાંડને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઝેરી દારૂના કાંડમાં અસરગ્રસ્ત દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં આ ઝેરી દારૂના કારણે 9 નિર્દોષ વ્યક્તિઓનાં કરૂણ મોત નીપજ્યાં છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષી પક્ષો દ્વારા આ ઘટના અંગે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિરોધ દર્શાવતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં જે લઠ્ઠાકાંડની ઘટના બની છે, તે વાસ્તવમાં કોઈ અકસ્માત કે લઠ્ઠાકાંડ નથી પરંતુ ખુલ્લેઆમ ચાલી રહેલું 'દારૂકાંડ' જ છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર આ લઠ્ઠાકાંડમાં પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અને પોતાની નૈતિક તથા કાયદાકીય જવાબદારીમાંથી છટકી જવા માટે સતત નવનવા બહાના અને 'પોલ' શોધી રહી છે. ગાંધીના ગુજરાતમાં જે રીતે બેફામ અને ગેરકાયદેસર દારૂનો કારોબાર ધમધમી રહ્યો છે, તેને રોકવામાં ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. આ ગેરકાયદેસર દારૂના કારોબારને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે અને આ ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારજનો તેમજ રાજ્યની જનતાને ન્યાય અપાવવા માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના પદ પરથી નૈતિક જવાબદારી સ્વીકારીને ત્વરિત રાજીનામું આપી દેવું જોઈએ. આદમી પાર્ટી દ્વારા જનતાના અવાજને વાચા આપવા માટે શાંતિપૂર્ણ રીતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ સરકારે પોલીસ બળનો પ્રયોગ કરીને તમામ કાર્યકર્તાઓની ગેરકાયદેસર રીતે અટકાયત કરી લીધી છે. ભાજપ સરકાર તાનાશાહીની તમામ સીમાઓ વટાવી રહી છે અને લોકશાહી ઢબે થતા વિરોધના અવાજને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે, જે તાનાશાહી કાયમી કરવાનો બેનમૂન નમૂનો છે. રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને જો આ રીતે જ વેચાતો રહેશે તો આમ આદમી પાર્ટી મુકપ્રેક્ષક બનીને ચૂપ નહીં બેસે. તેમણે કડક શબ્દોમાં પડકાર ફેંક્યો હતો કે જો સરકાર અને પોલીસ તંત્ર દાવો કરતી હોય કે દારૂબંધી અમલમાં છે, તો તેઓ આપના નેતાઓ સાથે આવે. આમ આદમી પાર્ટી જનતાને સાથે રાખીને રાજ્યભરમાં 'જનતા રેડ' કરશે અને જે સ્થળોએ દારૂનો કાળો કારોબાર ચાલે છે તેને જનતા અને મીડિયા સમક્ષ ખુલ્લો પાડીને જ જંપીશે.
Read full article on Divya Bhaskar