crime
પોલીસ કર્મચારી પર ડંડાથી જીવલેણ હુમલો, માથામાં 9 ટાંકા:દવાખાનેથી SPને પત્ર લખી આરોપીઓની તત્કાલ ધરપકડની માંગ કરી
નવસારી જિલ્લામાં પોલીસ કર્મચારી પર થયેલા હુમલાના બનાવને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. સુરત સિટી પોલીસના એમટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને મૂળ નવસારીના વિજલપોરના રહેવાસી બિશાલખાન ગુલમોહમંદ પઠાણ પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતે આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તાત્કાલિક ધરપકડની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરી છે. તલવાર લઈને હુમલો કરવા દોડ્યો, ડંડાથી માથામાં ફટકો માર્યો પીડિત દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ, 14 સપ્ટેમ્બરના રોજ આરોપીઓએ એકબીજા સાથે મળી ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપી અનમોલ નંદલાલ શર્મા સ્કોર્પિયો કારમાંથી તલવાર લઈને બિશાલખાન પઠાણ પર હુમલો કરવા દોડ્યો હતો. જોકે, અન્ય આરોપી વિજય ઉર્ફે રોકી ભરવાડે તલવાર ગાડીમાં મૂકી દીધી હતી અને હાથમાં રહેલા ઢોર ચરાવવાના મજબૂત લાકડાના ડંડાથી બિશાલખાનના માથાના ભાગે જોરદાર ફટકો માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા ડંડાનો ફટકો વાગતાં બિશાલખાન લોહીલુહાણ થઈને જમીન પર ફસડાઈ પડ્યા હતા. આ દરમિયાન તેમના મિત્રો વચ્ચે આવી જતાં વધુ મારથી બચાવ થયો હોવાનું અરજીમાં જણાવાયું છે. પીડિતે આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. માથામાં 9 ટાંકા આવ્યા, પરિવારને ધમકીનો ભય હુમલામાં ગંભીર ઈજા થતાં બિશાલખાનને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે કુલ 9 ટાંકા આવ્યા છે. પીડિતે અરજીમાં જણાવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને માથાભારે સ્વભાવના છે. તેમની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો કેસના સાક્ષીઓ તથા પીડિતના પરિવારજનોને ધાક-ધમકી આપી નુકસાન પહોંચાડવાની શક્યતા હોવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. BNSની કલમો ઉમેરવા અને આરોપીઓની ધરપકડની માંગ સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં BNSની કલમ 118(2), 109 તથા 60નો ઉમેરો કરી તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બિશાલખાનના ભાઈ પઠાણ આમિર ગુલમોહમંદ મારફતે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar