politics
Ahmedabad: ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને કથળેલી દારૂબંધી સામે કોંગ્રેસનો રાજ્યવ્યાપી મોરચો, અમદાવાદથી લઈને થરાદ સુધી વિરોધનો વંટોળ
રાજ્યમાં વધી રહેલા નશીલા પદાર્થોના વેચાણ, દારૂબંધીની કથિત નિષ્ફળતા અને ભ્રષ્ટાચારના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં એકસાથે આક્રમક વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદના સરદાર બાગ પાસે દારૂબંધીના ધજાગરા ઉડતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. જોકે, પોલીસ પરમિશન ન હોવાનું કહી પોલીસે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોર્પોરેટર નીરવ બક્ષી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. લઠ્ઠાકાંડની ઘટનાઓનો વિરોધમાં અટકાયત બીજી તરફ, સુત્રાપાડામાં પણ ભાવનગર અને સુત્રાપાડા વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓનો વિરોધ કરી રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 50થી વધુ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવાથી લોકોના મોત થયા છે અને 39થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેની પાછળ પોલીસની હપ્તાખોરી જવાબદાર છે. પોલીસ ડ્રોન ઉડાડીને દારૂના અડ્ડા અને બુટલેગરોને શોધે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ‘જનાક્રોશ ધરણાં’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અનોખો કટાક્ષ કર્યો હતો કે, "જે રીતે પોલીસ ડ્રોન કેમેરા ઉડાડીને અસામાજિક તત્વોને પકડે છે, તે જ રીતે હવે ડ્રોન ઉડાડીને દારૂના અડ્ડા અને બુટલેગરોને શોધી તેમની સામે કાર્યવાહી કરે." દ્વારકા અને થરાદમાં વિરોધના દ્રશ્યો દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસ આગેવાનોએ કલેક્ટરને આવેદન આપતા પહેલાં લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનારા નિર્દોષ ગરીબ મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ ગૃહ વિભાગ પર પ્રહારો કરતા કહ્યું કે, "રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને બુટલેગરો બેફામ બન્યા છે."થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન બાદ કાર્યકરોએ થરાદ ત્રણ રસ્તા પર પહોંચી ચક્કાજામ કર્યો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે સ્થળ પર પહોંચી રસ્તો ખુલ્લો કરાવી વિરોધ પ્રદર્શન કરતા નેતાઓની અકટાયત કરી હતી. આ પણ વાંચો: Botad: ભાંભણ રોડ પર આવેલી અક્ષરવાડી-2 માં જૂનું મકાન ધડાકાભેર ધરાશાયી, ઉપરના માળે બાંધકામ ચાલતું હતું ત્યારે સર્જાયો બનાવ
Read full article on Sandesh