Air india Flight: દમામથી દિલ્હી જતી ફ્લાઇટને બોમ્બની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ ઈમરજન્સી લેન્ડિંગ
Air india Flight Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. દમામથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને બોમ્બની ધમકી ભરેલી ચિઠ્ઠી મળ્યા બાદ તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ક્રૂ મેમ્બરને મળી ધમકીભરી ચિઠ્ઠી
અહેવાલ અનુસાર, દમામથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને બોમ્બની ધમકી આપતી ચિઠ્ઠી મળી હતી. આ ચિઠ્ઠી મળતાં જ ફ્લાઈટમાં સુરક્ષા અંગેની ચિંતાઓ વધી હતી અને પાયલટ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વિમાનની તપાસમાં કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી ન હતી. ટીશ્યુ પર ધમકીભર્યા શબ્દો લખેલા હોવા છતાં વિમાનની અંદર કોઈ વાસ્તવિક વિસ્ફોટક સામગ્રી મળી ન હતી. જો કે, સુરક્ષા એજન્સીઓએ આ બાબતને હળવાશથી ન લીધી અને વિમાન અને તેની સામગ્રીનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું.
તમામ 32 મુસાફરોને સુરક્ષિત ઉતારાયા
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર તમામ 32 મુસાફરોને સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. મુસાફરોને બહાર કાઢ્યા બાદ ફ્લાઈટની સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બની ધમકી ભરેલી ચિઠ્ઠી મળ્યા બાદ ફ્લાઈટમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. સાથે જ ધમકીભરી ચિઠ્ઠી કોણે અને કયા સંજોગોમાં મૂકી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો આ બોમ્બની ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
તમામ સુરક્ષા પ્રક્રિયાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ હતી અને બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.
એક નિવેદનમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દમામથી દિલ્હી જતી એક ફ્લાઇટને સાવચેતી અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને ચોક્કસ બોમ્બ ધમકીની સૂચના મળ્યા બાદ અમદાવાદ તરફ ડાઈવર્ટ કરવામાં આવી હતી.