crime
AMCના ચીફ ફાયર ઓફિસર વધુ 4 દિવસના રીમાન્ડ પર:અમિત ડોંગરેના વતન ભોપાલ જઈને બેંક લોકરની તપાસ કરાશે
36 હજારની લાંચ લેતા ઝડપાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ચીફ ફાયર ઓફિસર અમીત કુમાર ડોંગરેને અમદાવાદની ભદ્ર સ્થિત વિશેષ ACB કોર્ટે વધુ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. જ્યારે લાંચના આ કેસમાં વચેટિયા તરીકે ભૂમિકા ભજવનાર સહ-આરોપી ભાવસિંહ ઝાલાને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ભોપાલ સ્થિત બેંક લોકરની તપાસ માટે વધુ રિમાન્ડ મંજૂર બંને આરોપીઓના પ્રથમ 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને વિશેષ ACB કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ અને ACB દ્વારા ચીફ ફાયર ઓફિસર અમીત કુમારના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીનું મૂળ વતન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે છે અને તેનો પરિવાર પણ ત્યાં રહે છે. આરોપી ભોપાલમાં બેંક લોકર ધરાવતો હોવાથી તેને ત્યાં લઈ જઈને લોકરની સર્ચ કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને અમીત કુમારના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ફાયર NOC રીન્યુ કરવા માટે માગી હતી લાંચ ઘટનાની વિગત મુજબ, ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ફરિયાદી પાસે 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરવા પેટે 36 હજારની લાંચ માંગવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર અમીત કુમારના ઈશારે વચેટિયા ભાવસિંહ ઝાલાએ આ લાંચની માંગણી કરી હતી. જે અંગેની ફરિયાદ મળતાં ACBએ છટકું ગોઠવીને બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
Read full article on Divya Bhaskar