top
અમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે યુવતી ઝડપાઈ:થાઈલેન્ડથી વિયેતનામ થઈ અમદાવાદ આવી, માત્ર ₹8,500ના કમિશન માટે 6 કરોડના ગાંજાની હેરાફેરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ કર્યો છે. થાઈલેન્ડથી વિયેતનામ અને ત્યાંથી અમદાવાદ આવતી 22 વર્ષની યુવતી પાસેથી 6 કરોડની કિંમતનો 6 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. યુવતી ખરેખર માત્ર ₹8,500 કમિશન માટે કેરિયર બની હતી કે તેની પાછળ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટના હેન્ડલરો સહિતના લોકોની તપાસ હાથ ધરી છે. યુવતી થાઈલેન્ડથી વિયેતનામ અને ત્યાંથી અમદાવાદ આવી કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી થાઈલેન્ડ અને બેંગકોકથી અમદાવાદ આવતા મુસાફરો પાસે કસ્ટમની ખાસ નજર હોવાથી ડ્રગ્સ માફિયાઓએ દાણચોરી માટેનો રૂટ બદલ્યો હોવાની શક્યતા સામે આવી છે. રિપબ્લિક ઓફ મ્યાનમારનો પાસપોર્ટ ધરાવતી યુવતી કસ્ટમ વિભાગને શંકા ન જાય તે માટે થાઈલેન્ડથી ગાંજો લઈને સીધી અમદાવાદ આવવાને બદલે પહેલાં વિયેતનામ ગઈ હતી અને ત્યાંથી અમદાવાદ આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મ્યાનમારની યુવતીની બેગમાંથી 6 કિલો હાઇબ્રિડ ગાંજો મળ્યો જોકે, અમદાવાદ એરપોર્ટ પર બેગેજ સ્ક્રીનિંગ દરમિયાન યુવતીના હેન્ડબેગમાં શંકાસ્પદ વસ્તુ દેખાતા કસ્ટમ અધિકારીઓએ તેની તપાસ હાથ ધરી હતી. હેન્ડબેગની બંને બાજુ કાપડની નીચે પ્લાસ્ટિકમાં પેક કરેલા 10થી વધુ પેકેટ મળી આવ્યા હતા. ત્યારબાદ એરપોર્ટ કસ્ટમ વિભાગના ડોગની મદદ લેવામાં આવી હતી. ડોગ દ્વારા બેગમાં ડ્રગ્સ હોવાની ખાતરી થયા બાદ તપાસ કરતા અંદરથી 6 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગે ગાંજો જપ્ત કરી મ્યાનમારની યુવતીની ધરપકડ કરી છે. 8,500 કમિશનર માટે વિયેતનામથી ગાંજો અમદાવાદ લવાયો પ્રાથમિક પૂછપરછમાં યુવતીએ દાવો કર્યો હતો કે, ગાંજાની હેરાફેરી માટે તેને 3000 થાઈ બાથ કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે ભારતીય ચલણ પ્રમાણે ₹8,500 જેટલું થયા છે. જોકે, 6 કરોડની કિંમતનો ગાંજો લઈ આવવા આટલી નજીવી રકમનું કમિશન મળવાનું હોવાનું યુવતીનું નિવેદન કસ્ટમ અધિકારીઓને શંકાસ્પદ લાગી રહ્યું છે. હાઈબ્રિડ ગાંજો ગુજરાતમાં પહોંચાડવા પાછળ મુખ્ય હેન્ડલર કોણ? આટલી મોટી કિંમતના ડ્રગ્સની હેરાફેરી પાછળ મોટું ઇન્ટરનેશનલ નેટવર્ક કાર્યરત હોવાની કસ્ટમ વિભાગને શંકા છે. યુવતી પ્રથમ વખત ભારત આવી હોવાનું અને અગાઉ પણ તે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ સાથે સંકળાયેલી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગે યુવતીનો પાસપોર્ટ જપ્ત કરી તેની ધરપકડ કરી છે અને હવે તેના મોબાઈલ ફોનની તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને તેના વોટ્સએપ કોલ, ચેટ, સંપર્કમાં રહેલા વ્યક્તિઓ અને મુસાફરીની વિગતોના આધારે ₹6 કરોડનો હાઈબ્રિડ ગાંજો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તેની પાછળ મુખ્ય હેન્ડલર કોણ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Read full article on Divya Bhaskar