business
અમદાવાદ-મુન્દ્રા વચ્ચે સ્ટાર એરની સીધી ફ્લાઇટ શરૂ:અઠવાડિયામાં ત્રણ દિવસ મળશે સેવા, 70થી વધુ લોકો બેસી શકે એવી ક્ષમતા
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને કચ્છના ઔદ્યોગિક-બંદર હબ મુન્દ્રા વચ્ચે આજથી એટલે કે 17 ઓગસ્ટ, 2026થી સ્ટાર એર દ્વારા સીધી હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અદાણી એરપોર્ટ્સના સહયોગથી શરૂ થયેલી આ કનેક્ટિવિટીથી વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને સ્ટાર્ટઅપ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને સીધો લાભ મળશે. દેશના સૌથી મોટા ખાનગી પોર્ટ અને લોજિસ્ટિક્સ હબ ધરાવતા મુન્દ્રા તેમજ અમદાવાદ વચ્ચેનો પ્રવાસ હવે માત્ર ગણતરીની મિનિટોમાં પૂર્ણ થશે. ફ્લાઇટ શેડ્યૂલ અને ઓપરેટિંગ દિવસો સ્ટાર એર દ્વારા અમદાવાદ અને મુન્દ્રા વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે: 70થી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતું એરક્રાફ્ટ સ્ટાર એર દ્વારા આ રૂટ પર 70 થી વધુ પેસેન્જરો બેસી શકે તેવા આધુનિક એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બંને શહેરો વચ્ચે એર ટેક્સી એરલાઇન્સની સેવા ઉપલબ્ધ હતી (જે હજુ પણ કાર્યરત છે), પરંતુ તેની ક્ષમતા માત્ર 4 મુસાફરો પૂરતી મર્યાદિત હતી. હવે 70+ સીટર ફ્લાઇટ શરૂ થવાથી સામાન્ય મુસાફરો, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ અને ટેકનિકલ સ્ટાફને વધુ સુવિધાજનક અને ઝડપી મુસાફરીનો વિકલ્પ મળશે. વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે કનેક્ટિવિટી મજબૂત થશે અમદાવાદ રાજ્યનું મોટું શૈક્ષણિક અને કોમર્શિયલ સેન્ટર છે જ્યારે મુન્દ્રા વૈશ્વિક કક્ષાનું ટ્રેડ અને પોર્ટ કેન્દ્ર છે. આ નવી સીધી એર કનેક્ટિવિટીના કારણે બંને શહેરો વચ્ચે રોડ માર્ગે લાગતો કલાકોનો સમય બચશે અને બિઝનેસ કોઓર્ડિનેશન વધુ સરળ બનશે. ખાસ કરીને સવારે જઈને સાંજે પરત ફરી શકાય તેવા ટાઈમ-ટેબલને લીધે વ્યાપારીઓ અને પ્રોફેશનલ્સ માટે આ ફ્લાઇટ અત્યંત ઉપયોગી સાબિત થશે.
Read full article on Divya Bhaskar