top
અમદાવાદ રેલવે સ્ટેશન પર RPFનું ‘ઓપરેશન સેવા’:રેલવે સ્ટેશન પરથી બે સગીર બાળાઓનું રેસ્ક્યૂ, બે આરોપીની ધરપકડ
અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલવે સુરક્ષા દળ (RPF) ની સતર્કતાથી એક મોટો અપરાધ થતો અટક્યો છે. ‘ઓપરેશન સેવા’ અંતર્ગત RPF અને પોલીસના સંકલનથી જોધપુરથી અપહરણ કરાયેલી બે સગીર બાળાઓને બેંગલુરુ પહોંચે તે પહેલાં જ અમદાવાદથી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા બેંગલુરુના બે આરોપીઓની ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે. ગેમિંગ એપ અને સોશિયલ મીડિયાથી બિછાવી જાળ પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ બંને સગીરાઓ સાથે ગેમિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી. મિત્રતા થયા બાદ તેમને ફોસલાવીને જોધપુરથી ટ્રેન મારફતે બેંગલુરુ લઈ જવાનો કારસો ઘડાયો હતો. ઝડપાયેલા આરોપીઓની ઓળખ બેંગલુરુના ૨૪ વર્ષીય આકિબ અન્સારી અને સૈયદ ઇબ્રાહિમ તરીકે થઈ છે. ચાલુ ટ્રેને ફેંકેલો મોબાઈલ બન્યો કડી ગત 13 ઓગસ્ટના રોજ જોધપુરના કુડી ભગતાસની પોલીસ સ્ટેશન તરફથી RPF અમદાવાદને બાળાઓ ગુમ હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ RPF ટીમે ટ્રેન નંબર 20693 (જોધપુર–કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ) માં સઘન ચેકિંગ શરૂ કર્યું. ચેકિંગ દરમિયાન એક આરોપી અને એક સગીરા નજરે પડ્યા હતા. RPFને જોતાં જ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પોતાનો મોબાઈલ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો. જવાનોએ પીછો કરીને તેને પકડી પાડ્યો અને ફેંકેલો મોબાઈલ નડિયાદ રેલવે સ્ટેશન પરથી રિકવર કર્યો. ડેટા રિકવરી અને બીજાની ધરપકડ મોબાઈલમાંથી ડિલીટ કરાયેલો ડેટા રિસ્ટોર કરતાં બીજા આરોપીનું લાઈવ લોકેશન ટ્રેસ થયું. આ જ લોકેશનના આધારે બીજા આરોપીને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-1 પરથી બીજી સગીરા સાથે ઝડપી લેવાયો. આરોપીઓના મોબાઈલમાંથી 'આર્યન' નામનું એક બનાવટી ઈ-આધાર કાર્ડ અને બંને સગીરાઓના આધાર કાર્ડના ફોટા પણ મળી આવ્યા છે. સુરક્ષા એજન્સીઓનું ઉત્તમ સંકલન આ સફળ ઓપરેશન અંગે અમદાવાદ ડિવિઝનના DRM વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, મુસાફરો, ખાસ કરીને બાળકો અને મહિલાઓની સુરક્ષા રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. RPFની ત્વરિત કાર્યવાહી અને ટેક્નોલોજીના ઉપયોગની તેમણે સરાહના કરી હતી. અમદાવાદના Sr.DSC અંશુમાન ત્રિપાઠીએ પણ ઉમેર્યું કે, ટેક્નિકલ પુરાવા અને જોધપુર પોલીસ સાથેના સતત સંપર્કને કારણે જ આ રેસ્ક્યૂ ઓપરેશન શક્ય બન્યું છે. હાલમાં, આગળની કાયદેસરની કાર્યવાહી માટે બંને બાળાઓ અને આરોપીઓને લેખિત મેમો દ્વારા GRP અમદાવાદને સોંપી દેવામાં આવ્યા છે, જ્યાંથી તેમને જોધપુર પોલીસને સુપરત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
Read full article on Divya Bhaskar