top
અમદાવાદમાં દીકરીની લાશ લઈ પિતા-પુત્ર બાઈક પર ફરતાં રહ્યાં:યુવક સાથેનો વીડિયો વાઈરલ થતાં સોફિયાનું ઓનર કિલિંગ, હથોળી મારી પતાવી દીધી; એક્સિડન્ટનો ડ્રામા કર્યો
અમદાવાદમાં 12 ઓગસ્ટની રાત્રે અકસ્માતમાં ભાઈ સાથે જતી યુવતીનું મોત થયું હતું. પોલીસે અકસ્માત કેસની તપાસ કરતા ભાઈ અને પિતાએ જ ભેગા થઈ દીકરીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. દીકરીની ચારિત્ર્ય પર શંકા રાખીને પિતા અને ભાઈએ યુવતીને હથોડીથી મોતને ઘાટ ઉતારી હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. 12 ઓગસ્ટની રાત્રે યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારી શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી 22 વર્ષીય સોફિયા બોપલની નિકી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. 12 ઓગસ્ટની રાત્રે સોફિયાનો ભાઈ મોહમ્મદ હાબિલ બાઈક પર તેને લઈને આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં સમૃદ્ધ ડેરીની પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા સોફિયા અને હાબીલને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં સોફિયાનું મોત થયું હતું. ટ્રાફિક પોલીસને જાણ થતાં એમ ડિવિઝન પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી બાદ મૃતકના ભાઈની પૂછપરછ કરી પોલીસ તપાસમાં ભાઈ હાબિલે જે રસ્તે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું ત્યાં કોઈ અકસ્માત થયો નહોતો. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા આ સમગ્ર મામલો શંકાસ્પદ લાગ્યો અને મૃતકના ભાઈ હાબિલની તપાસ કરી હતી. પોલીસની પૂછપરછમાં હાબિલ અને તેના પિતા મોહમ્મદ ફારુકે ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પિતા-પુત્રએ 3 મહિના અગાઉ હત્યાનું કાવતરું ઘડ્યું મૃતક સોફિયાનો થોડા સમય અગાઉ એક યુવક સાથેનો વીડિયો વાઈરલ થયો હતો. જેનાથી સમાજમાં બદનામી થાય તેમ હતું. જે અંગે મૃતક યુવતીને ભાઈ અને પિતાએ સમજાવી હતી, પરંતુ સોફિયાના અન્ય વ્યક્તિ સાથેના સંબંધ હોવાની બંનેને શંકા હતી. જેથી 3 મહિના અગાઉથી પિતા અને ભાઈએ સોફિયાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હાબિલે સોફિયાના માથામાં હથોડીના ઘા ઝીંકી દીધા 12 ઓગસ્ટે વરસાદ હોવાને કારણે બંનેએ હત્યાને અંજામ આપ્યો હતો. સોફિયા જે હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યાં હાબિલ અને ફારૂક બાઈક લઈને લેવા પહોંચ્યા હતા. બંને સોફિયાને બાઈક પર બેસાડી બોપલથી પરત ફરતા હતા. આ દરમિયાન પ્લાન મુજબ હાબિલ સાથે હથોડી લઈને આવ્યો હતો જે સોફિયાના માથાના ભાગે મારી હતી. સોફિયા બેભાન થતા તેણે બાઈક પરથી નીચે ફેંકી માથામાં હથોડીના બીજા બે ઘા માર્યા હતા. બાપ-દીકરો સોફિયાની લાશ લઈ ફરતા રહ્યાં સોફિયાનો શ્વાસ બંધ ન થયો ત્યાં સુધી બાપ-દીકરો રાહ જોતા રહ્યા હતા. સોફિયાનો જીવ જતો રહ્યો બાદ બંને પિતા-પુત્ર સોફિયાની લાશ લઈ બાઈક પર ફરતા રહ્યાં. થોડે આગળ જઈ સોફિયાને પાડી પર સુવડાવી હાબિલે પોતાના શરીર પર ઈજા પહોંચાડી અને બાઈકને અકસ્માત થયો હોય તેમ નુકસાન પહોંચાડ્યું હતું. હત્યાનો ભાંડો ફૂટતા પિતા-પુત્રની ધરપકડ કરી સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ ફારૂક સ્થળ પરથી ચાલતો નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે શરૂઆતમાં અકસ્માત અંગે તપાસ કરી બાદમાં હત્યાની જાણ થતાં પિતા-પુત્રની ધરપકડ કરી હતી.
Read full article on Divya Bhaskar