top
અમદાવાદમાં સગીરાએ સાબરમતી નદીમાં કૂદી જીવન ટૂંકાવ્યું:પતિના શંકાશીલ સ્વભાવ અને ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યું, આરોપી પતિ પેટલાદથી ઝડપાયો
શહેરના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય પરિણીત સગીરાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જીવન ટૂંકાવતા પહેલાં સગીરાએ વીડિયો મેસેજ બનાવી સ્વજનોને મોકલ્યો હતો. લગ્નના માંડ ચાર મહિનામાં જ પતિના સતત શંકાશીલ વલણ અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું બહાર આવતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની પેટલાદ ખાતેથી ધરપકડ કરી છે. “હું સુસાઇડ કરવા જાઉં છું” કહી સ્વજનોને વીડિયો મોકલ્યો મળતી વિગતો અનુસાર, મૂળ નારોલની 17 વર્ષીય સગીરાએ સાબરમતી નદીમાં ઝંપલાવતા પૂર્વે એક દર્દનાક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો પોતાના સંબંધીઓને મોકલી તેણે પોતે આત્મહત્યા કરવા જઈ રહી હોવાની જાણ કરી હતી. નદીમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા. લગ્નના ચાર મહિનામાં જ શંકા અને ત્રાસની શરૂઆત પોલીસ તપાસ અને મૃતકના પિતાની ફરિયાદ મુજબ મૃતક સગીરાના લગ્ન ગત 5 એપ્રિલના રોજ ભરૂચ ખાતે ફરદીન શેખ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ દંપતી આણંદ જિલ્લાના પેટલાદ ખાતે ભાડાના મકાનમાં રહેવા ગયું હતું. આરોપી ફરદીન સોજીત્રા ખાતે લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો, જ્યારે તેના પિતા પેટલાદમાં ગેરેજ ધરાવે છે. લગ્નના થોડા જ દિવસોમાં ફરદીને પત્નીના ચારિત્ર્ય પર વગર કારણે શંકા-કુશંકા કરવાનું શરૂ કરી દીધું હતું. તે અવારનવાર ઝઘડા કરી સગીરાને અસહ્ય માનસિક ત્રાસ આપતો હતો. ઘરમાંથી કાઢી મૂકતાં પિતાના ઘરે આવી ગઈ હતી ગત 4 ઓગસ્ટના રોજ આરોપી પતિએ ફરીથી ઉગ્ર ઝઘડો કરી પરિણીતાને ઘરમાંથી હાંકી કાઢી હતી. પરિણામે, તે અમદાવાદ સ્થિત પોતાના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. જોકે, સતત મળતા ત્રાસ અને ભાંગી પડેલા લગ્નજીવનના આઘાતમાંથી બહાર ન આવી શકતાં આખરે તેણે સાબરમતી રિવરફ્રન્ટ પર જઈ જીવનનો અંત આણ્યો હતો. પોલીસે આરોપી પતિને દબોચી લીધો ઘટના અંગે મૃતક સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે દુષ્પ્રેરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પેટલાદ ખાતે દરોડો પાડી આરોપી ફરદીન શેખને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar