politics
Arunachal Pradesh ભારતનો અવિભાજ્ય હિસ્સો, ચીનના નામ બદલવાના પ્રયાસો પર MEAનો કડક જવાબ
ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન હિસ્સો છે. મંગળવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ વાસ્તવિકતાને કોઈપણ પ્રકારની કાર્યવાહીથી બદલી શકાય નહીં. જમીની વાસ્તવિકતા બદલી શકાતી નથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે અરુણાચલ પ્રદેશના 27 સ્થળોના સત્તાવાર નામ સર્વે ઓફ ઈન્ડિયાના સત્તાવાર નકશામાં દર્શાવ્યા છે. સરકારનો હેતુ આ વિસ્તારોની ચોક્કસ ભૌગોલિક ઓળખ સુનિશ્ચિત કરવાનો તેમજ તેમના ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો છે. ભારતે અરુણાચલ પ્રદેશના વિસ્તારોને ચીન દ્વારા વારંવાર નવા ચીની નામ આપવાના પ્રયાસોને સતત ફગાવ્યા છે. નવી દિલ્હીએ ચીનની આ કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે આવા પ્રયાસો માત્ર મનઘડંત અને નિરર્થક છે અને તેનાથી જમીની વાસ્તવિકતા બદલી શકાતી નથી. 27 સ્થળોમાં ઐતિહાસિક વિસ્તારોનો સમાવેશ ભારત દ્વારા જાહેર કરાયેલા 27 સ્થળોમાં કેટલાક વ્યૂહાત્મક અને ઐતિહાસિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમાં લોંગ જુનો સમાવેશ થાય છે, જ્યાં 1959માં ભારત અને ચીન વચ્ચે પ્રારંભિક સૈન્ય અથડામણ થઈ હતી. ઉપરાંત થાગ લા પણ યાદીમાં સામેલ છે, જ્યાં 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન શરૂઆતની અથડામણો થઈ હતી. યાદીમાં પૂર્વ અરુણાચલ પ્રદેશનું મહત્વપૂર્ણ લોજિસ્ટિક કેન્દ્ર જૈરામપુર તેમજ 1962ના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના શૌર્યને સમર્પિત જસવંત ગઢ અને શેર-એ-થાપા મેમોરિયલનો પણ સમાવેશ થાય છે. ચીનના નામ બદલવાના પ્રયાસો ચીને અરુણાચલ પ્રદેશને 'ઝાંગનાન' તરીકે ઓળખાવીને અનેક વિસ્તારોના નામ બદલવાના પ્રયાસ કર્યા છે. ચીને 2017માં પ્રથમ વખત 6 સ્થળોના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ 2021માં 15 અને 2023માં વધુ 11 નામોની યાદી બહાર પાડી હતી. ભારતે ચીનના આ તમામ દાવાઓને સતત ફગાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે આવા એકતરફી નામકરણથી અરુણાચલ પ્રદેશની સ્થિતિ કે જમીની વાસ્તવિકતામાં કોઈ ફેરફાર થવાનો નથી. આ પણ વાંચો : ટ્રેની IPS પર રૂ. 1 કરોડની લાંચનો ગંભીર આરોપ, દિલ્હી CBI કોર્ટનો આદેશ, DGP પાસે ATR માંગ્યો
Read full article on Sandesh