politics
અરવલ્લી કોંગ્રેસે લઠ્ઠાકાંડ, કાયદો-વ્યવસ્થા મુદ્દે વિરોધ કર્યો:મોડાસામાં ધરણા પ્રદર્શન યોજી સરકારની નિષ્ફળતા સામે અવાજ ઉઠાવ્યો
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા યોજ્યા હતા. આ કાર્યક્રમ રાજ્યમાં વધી રહેલા લઠ્ઠાકાંડ અને કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિના વિરોધમાં યોજાયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.રાજ્યમાં અવારનવાર લઠ્ઠાકાંડ અને મોટા જથ્થામાં નશીલા પદાર્થો ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવાથી ૧૦થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે ૩૩થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાઓએ રાજ્યમાં દારૂબંધીના અમલ પર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના મતે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો છે. ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેપાર સામે અસરકારક કાર્યવાહીના અભાવે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. આના કારણે રાજ્યનું યુવાધન નશાની લત તરફ ધકેલાઈ રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારની બેદરકારી, કથળેલી કાયદો-વ્યવસ્થા અને દારૂબંધીના કાયદાના નબળા અમલના વિરોધમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોએ સરકારની નિષ્ફળતા સામે પોતાનો અવાજ ઉઠાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
Read full article on Divya Bhaskar