top
બાળમજૂરી સામે ગીર સોમનાથમાં તંત્રનો સપાટો:કલેક્ટર વાઘેલાની અધ્યક્ષતામાં ટાસ્કફોર્સની બેઠક, સ્ટ્રીટ ફૂડથી બાંધકામ સાઇટ સુધી સઘન તપાસના આદેશ
ગીર સોમનાથ જિલ્લામાં બાળમજૂરી નાબૂદ કરવા માટે વહીવટી તંત્ર સઘન તપાસ કરશે. કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બાળમજૂરી સામેની કામગીરીની સમીક્ષા કરાઈ. બેઠક દરમિયાન, ગત વર્ષે બાળમજૂરી નાબૂદ કરવા માટે કરાયેલી રેડ, બાળમજૂરોને કામે રાખનાર માલિકો સામે દાખલ કરાયેલા કેસ અને દંડાત્મક કાર્યવાહી અંગે વિગતવાર ચર્ચા થઈ. કલેક્ટર વાઘેલાએ અધિકારીઓ પાસેથી નગરપાલિકા વિસ્તારોમાં બાળમજૂરોની સ્થિતિ અને અત્યાર સુધી કરાયેલી તપાસ અંગે માહિતી લીધી. તેમણે બાળમજૂરી સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ સઘન તપાસ કરવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી. ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ વિસ્તારો, બાંધકામ સાઇટો, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, ફિશરીઝ ઇન્ડસ્ટ્રીઝ અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગો જેવા સંવેદનશીલ સ્થળોએ બાળમજૂરી સામે અસરકારક કાર્યવાહી કરવા માર્ગદર્શન અપાયું. બેઠકમાં બાળમજૂરી કરાવતા માલિકો સામે કાયદાકીય કાર્યવાહી ઉપરાંત બાળકોના અધિકારોનું રક્ષણ અને તેમને શિક્ષણ સાથે જોડવા પર પણ ભાર મુકાયો. આ બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય અમૃતાબેન અખિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડૉ. બી.બી. ડાંગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, શ્રમ અધિકારી એમ.એચ. પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા. બાળમજૂરી સામે હવે માત્ર કાર્યવાહી નહીં, પરંતુ સતત તપાસ અને કડક અમલવારી દ્વારા જિલ્લામાં બાળમજૂરી નાબૂદ કરવાનો તંત્રનો પ્રયાસ રહેશે.
Read full article on Divya Bhaskar