crime
બેફામ કારે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી, યુવકનું મોત:જલારામ પેટ્રોલ પંપ નજીક એક મહિલા સહિત બે ઘાયલ, પોલીસે કારચાલક સામે કેસ કર્યો
વલસાડના ધરમપુર તાલુકાના ભાંભા ગામે સોમવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. ખેરગામથી ધરમપુર તરફ પૂરઝડપે આવી રહેલી હોન્ડા જાઝ કારના ચાલકે જલારામ પેટ્રોલ પંપ પાસે કાબૂ ગુમાવ્યો હતો. કારે રોડ સાઇડ પર પાર્ક કરેલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાર્ક કરેલી બાઇક પર બેઠેલા 25 વર્ષીય યુવકનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત, એક મહિલા સહિત બે લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, 14 સપ્ટેમ્બરની રાત્રે આશરે 8:15 વાગ્યે ભાંભા ગામના આહિર ફળિયામાં જલારામ પેટ્રોલ પંપ નજીક અનાજ-કરિયાણાની દુકાન સામે કેટલાક વાહનો રોડ સાઇડ પર પાર્ક કરેલા હતા. સુરતના નારાયણનગર ખાતે રહેતા સુજિત અરૂણ તિવારી હોન્ડા જાઝ કાર (નં. GJ-24-K-9547) લઈને ખેરગામથી ધરમપુર તરફ આવી રહ્યા હતા. કારચાલકે પૂરઝડપે અને બેદરકારીથી ડ્રાઇવિંગ કરતા કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર સીધી રોડ સાઇડ પર પાર્ક કરેલા વાહનો સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બે મોટરસાયકલો ફંગોળાઈ ગઈ હતી અને આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં પાર્ક કરેલી બાઇક પર બેઠેલા યોગેશભાઇ રણજીતભાઇ પટેલ (ઉંમર 25, મૂળ રહે. ઘેજ, તા. ખેરગામ, હાલ રહે. ભાંભા)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથા, મોઢા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં દુકાનની બહાર ઊભેલાં પ્રિયાબેન નૈલેશભાઇ પટેલને ખભા, હાથ અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. ફરિયાદી અમિતસિંહ અશોકસિંહ સોલંકીને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે અમિતસિંહ અશોકસિંહ સોલંકીની ફરિયાદના આધારે ધરમપુર પોલીસે કારચાલક સુજિત અરૂણ તિવારી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 125(એ)(બી), 106(1) તેમજ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ અ.હે.કો. કલ્પેશભાઇ ચલાવી રહ્યા છે.
Read full article on Divya Bhaskar