politics
'ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ખાડે ગયું':મનોજ સોરઠીયાએ કહ્યું કે, ગુજરાત રેન્કિંગ 5માંથી 15માં સ્થાને સરક્યું, વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ સમગ્ર દેશમાં Gen-Alpha અને Gen-Z પેઢીના બાળકો તથા યુવાનો શિક્ષણ વ્યવસ્થાને લઈને અત્યંત ચિંતિત છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં રાજ્યની શિક્ષણ વ્યવસ્થા તદ્દન કથળી ગઈ છે. ખાનગી શાળાઓ માત્ર ફી ઉઘરાવીને સામાન્ય જનતાને લૂંટવાનું કામ કરી રહી છે અને બાળકોના સાચા વિકાસ તરફ સરકાર કે વહીવટી તંત્રનું કોઈ ધ્યાન નથી. 'ગુજરાત રેન્કિંગ 5માંથી 15માં સ્થાને સરક્યું' કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના તાજેતરના PGI 2.0 સર્વેનો હવાલો આપતા મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, ગુજરાતને 1000માંથી માંડ 600 જેટલા પોઈન્ટ મળ્યા છે, જે દર્શાવે છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર માત્ર 60% જેટલું જ રહ્યું છે. પાંચ વર્ષ પહેલાં દેશભરમાં પાંચમા ક્રમે રહેલું ગુજરાત હવે સરકીને સીધું 15મા સ્થાને પહોંચી ગયું છે, જે રાજ્ય માટે અત્યંત શરમજનક બાબત છે. આ ઉપરાંત રાજ્યમાં ધો-12 સુધી પહોંચતા વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો પણ સતત વધી રહ્યો છે. '26મા ક્રમે રહેલા પંજાબને શિક્ષણ ક્ષેત્રે દેશમાં નંબર-1 બનાવ્યું' પંજાબ સરકારનું ઉદાહરણ આપતાં ઉમેર્યું કે, આમ આદમી પાર્ટીની સરકારે માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં સાચી નીતિ અને સારી નિયતથી કામ કરીને નીતિ આયોગના રિપોર્ટમાં 26મા ક્રમે રહેલા પંજાબને શિક્ષણ ક્ષેત્રે દેશમાં નંબર-1 બનાવ્યું છે. જો પંજાબ આ સિદ્ધિ મેળવી શકતું હોય તો ગુજરાત કેમ નહીં? ગુજરાત સરકાર લોકોમાં ડર પેદા કરીને સત્તા ટકાવી રાખવામાં વ્યસ્ત છે. ભાજપ સરકારે રાજ્યના લાખો નિર્દોષ બાળકો પાસેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ છીનવી લઈને ઘોર પાપ કર્યું છે, જેના માટે ગુજરાતની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.
Read full article on Divya Bhaskar