top
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અમદાવાદ મુલાકાતે:ઔડા એડિટોરિયમમાં લોકો સાથે સીધો સંવાદ કર્યો, મતદારો માટે સુપર એપ 'ECINET' લોન્ચ
ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા મિશન અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો, નવયુવાન મતદારો અને ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે સુચારુ સંકલન સાધવા અને પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા માટે 'ECINET' નામની અદ્યતન મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ સિંગલ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી હવે નવી મતદાર નોંધણીથી માંડીને ડિજિટલ વોટર આઈડી (e-EPIC) ડાઉનલોડ કરવા સુધીની 40 થી વધુ અલગ-અલગ એપ્લિકેશનો અને સેવાઓ એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. ECINET એપમાં મળશે આ સુવિધાઓ ECINET એપમાં મતદારોને ધ્યાનમાં રાખીને વ્યાપક સુવિધાઓ આવરી લેવામાં આવી છે, જેમાં મતદાર તરીકે નવું રજીસ્ટ્રેશન કરાવવું, મતદાર યાદીમાં નામની ચકાસણી કરવી, કરેલી અરજીનું સ્ટેટસ ટ્રેક કરવું તેમજ ડિજિટલ e-EPIC કાર્ડ સીધું ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની પ્રોફાઇલ અને ગુનાહિત ઇતિહાસ ચકાસવો, ચૂંટણી અધિકારીઓ સાથે સીધો સંપર્ક સાધવો, બીએલઓ (BLO) સાથે કોલ બુકિંગ કરાવવું, આચારસંહિતા ભંગ કે અન્ય ફરિયાદો નોંધાવવી અને મતદાનના લાઇવ ટ્રેન્ડ્સ જોવા જેવી બહુવિધ સેવાઓ સરળતાથી મળી રહેશે. આ અંગે અમદાવાદના ઔડા એડિટોરિયમ ખાતે વિવિધ જિલ્લાના લોકો સાથે સીધો સંવાદ કાર્યક્રમ પણ યોજાયો હતો. 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિક મતદાન કરે: જ્ઞાનેશ કુમાર કાર્યક્રમ દરમિયાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય દેશનો પ્રત્યેક નાગરિક—પછી તે યુવા હોય કે વૃદ્ધ—જેણે 18 વર્ષની વય વટાવી હોય અને યાદીમાં નામ હોય તે અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે માહિતી આપી કે આ દેશવ્યાપી મહાઅભિયાનમાં 11 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસરો (BLO) અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના 15 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટો (BLA) કાર્યરત છે. તેમણે તમામ ઊર્જાવાન યુવા નાગરિકોને ECINET એપ ડાઉનલોડ કરી વોટર આઈડી નંબર દાખલ કરીને પોતાનું નામ મતદાર યાદીમાં સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. BLO સાથે સીધો સંપર્ક અને ફોર્મ-6 ભરવાની સરળ સુવિધા મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું કે મતદાર યાદી સંબંધિત કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે સહાય માટે નાગરિકો ECINET એપ મારફતે સીધા પોતાના વિસ્તારના BLO નો સંપર્ક સાધી શકે છે. જે યોગ્ય નાગરિકોનું નામ હજુ સુધી યાદીમાં સામેલ નથી તેમના માટે એપ પરથી જ સીધું નવું ફોર્મ-6 ભરી શકાય છે, જેના આધારે BLO આગળની ચકાસણી પૂર્ણ કરશે. તેમણે સમાજના સહિયારા પ્રયાસો પર ભાર મૂકતાં જણાવ્યું કે 18 વર્ષ પૂરા કરનાર એક પણ લાયક નાગરિક મતદાનથી વંચિત ન રહે તે જોવાની આપણી સૌની સામાજિક જવાબદારી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ નિહાળ્યો અમદાવાદ મુલાકાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત વેળાએ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને રિવરફ્રન્ટના મૂળ વિઝન, પર્યાવરણ સંરક્ષણની કામગીરી, જાહેર મનોરંજન ઝોન અને નાગરિક સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે સાબરમતી રિવર ક્રૂઝની સફરનો આનંદ માણતાં નદીકાંઠે ઊભા કરાયેલા અદ્યતન વિકાસ, શહેરને વૈશ્વિક સ્તરે મળેલી આગવી ઓળખ અને પાયાની સગવડોની મુક્તકંઠે સરાહના કરી હતી, જેનાથી પ્રોજેક્ટ સાથે સંકળાયેલી સમગ્ર ટીમનો ઉત્સાહ બેવડાયો છે.
Read full article on Divya Bhaskar