politics
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ભરૂચમાં ‘આપ’નું ઉગ્ર પ્રદર્શન:ગૃહમંત્રીના રાજીનામાની માંગ, કાર્યકરોની અટકાયત
ભાવનગર જિલ્લામાં બનેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભરૂચમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ‘આપ’ના કાર્યકરોએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી, જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી. ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ ‘આપ’ના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો બેનરો-પોસ્ટરો સાથે એકત્ર થયા હતા. તેમણે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનની શરૂઆત લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ‘આપ’ના આગેવાનોએ મીડિયા સમક્ષ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ અલગ છે અને બુટલેગરો બેફામ બન્યા છે. ભાવનગરની ઘટનાને માત્ર લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યા સમાન ગણાવતાં ‘આપ’ના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે 2022ના લઠ્ઠાકાંડના આરોપીઓ સામે હજુ સુધી કડક કાર્યવાહી થઈ નથી. તેમણે મોટા બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે નાના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ‘આપ’ દ્વારા દારૂબંધીના કડક અમલમાં નિષ્ફળતા બદલ ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો. પોલીસે ‘આપ’ના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar