politics
ભાવનગર લઠ્ઠાકાંડને લઈ સરદાર બાગ પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ભાજપ હાય... હાય...ના નારા સાથે હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી
18 ઓગસ્ટના ભાવનગરના લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત અને 30થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ઘટનાના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાલ દરવાજા સ્થિત સરદાર બાગ પાસે કોંગ્રેસના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે વિરોધ પ્રદર્શનની પરવાનગી ન આપી હોવાથી આંદોલનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના આક્ષેપો અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે "બુટલેગર જનતા પાર્ટી"ના પોસ્ટર અને "પોલીસ હપ્તા ખાય, લોકો લઠ્ઠા પીને મરે" જેવા બેનરો દર્શાવીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માગણી કરી હતી. માત્ર નાની કક્ષાના કર્મચારીઓ પર કાર્યવાહી કરવાને બદલે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં ભરવા અને સમગ્ર ઘટનાની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરાઈ હતી. ગૃહમંત્રી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ: સોનલબેન પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અવારનવાર આવી ઘટનાઓ બને છે. આ લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મચારી તેમજ દારૂ બનાવનાર કેમિસ્ટ/ડોક્ટરનું પણ મોત થયું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો પર કોઈ રોકટોક ન હોવાથી દારૂ અને ઝેરી રસાયણો રાજ્યમાં ઘૂસી રહ્યા છે. આ બેદરકારી બદલ ગૃહમંત્રી અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
Read full article on Divya Bhaskar