Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઈને રાજનીતિ તેજ બની છે. લઠ્ઠાકાંડના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાલ દરવાજા પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લખાણવાળા પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ભાવનગર લઠ્ઠાકાંડના રાજકોટ અને જૂનાગઢમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. રાજકોટ કૉંગ્રેસે આજે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન.. સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કૉંગ્રેસના મહિલા આગેવાન ગાયત્રીબા વાઘેલા બોલ્યા કે પોલીસ મારફતે કમલમ સુધી હપ્તા પહોંચે છે ત્યાં સુધી આવા લઠ્ઠાકાંડ થતા રહેશે.. જનતાને અપીલ કરતા ગાયત્રીબા વાઘેલાએ દારૂના અડ્ડા પર રેડ કરવા અને કૉંગ્રેસને માહિતી આપવાની પણ વાત કરી.
તો જૂનાગઢ શહેર અને જિલ્લા કૉંગ્રેસે પર લઠ્ઠાકાંડના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યુ.. અલગ અલગ બેનર અને પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યામાં કૉંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરીને લઠ્ઠાકાંડ મુદ્દે રોષ ઠાલવ્યો.. કૉંગ્રેસે સવાલો ઉઠાવ્યા કે રાજ્યની તમામ બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત હોવા છતા ઝેરી દારુ ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્યો.. કોની રહેમ નજર હેઠળ દારૂનો જથ્થો રાજ્યમાં ઘુસ્યો તેવો સવાલ કરીને ગૃહ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા.. જો કે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી.. અટકાયત કરાયેલા તમામ કાર્યકર્તાઓને બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવાયા..