top
Bhavnagar News: સિહોર પાલિકા કચેરીમાં થાળી વગાડી વિરોધ, વોર્ડ નં. 5 અને 9ના રહીશોનો હલ્લાબોલ
ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 5 અને 9ના પ્રાથમિક પ્રશ્નોનો લાંબા સમયથી નિકાલ ન આવતાં શુક્રવારે પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચ્યો હતો. વિસ્તારમાં પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની ગાડી નિયમિત ન આવતી હોવાના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો વિપક્ષ નેતાની આગેવાની હેઠળ એકઠા થયા હતા. નિષ્ક્રિય તંત્રને જગાડવા માટે રહીશોએ કચેરીમાં થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને થાળીઓ વગાડતાં-વગાડતાં જ સીધા પ્રમુખની કચેરી સુધી ધસી ગયા હતા. વિકાસના નામે શૂન્ય કારોબાર અને પક્ષપાતનો ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશો અને વિપક્ષે પાલિકા તંત્ર સામે ભારે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં વિકાસના કામોમાં શૂન્યતા જોવા મળી રહી છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પક્ષપાતપૂર્ણ વલણ દાખવીને જાણીજોઈને કામગીરી અટકાવવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન માહોલ અત્યંત ગરમાયો હતો અને વિપક્ષના નેતા દ્વારા પ્રમુખની કચેરીમાં જ શાસક પક્ષ અને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. નિયત સમયમાં કામ નહીં થાય તો સામૂહિક હિજરતની વિપક્ષ નેતાની ચેતવણી રજૂઆત દરમિયાન વિપક્ષ નેતાએ તંત્રને આખરી ઓપ આપતાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, જો ચોક્કસ સમયમર્યાદામાં વોર્ડ નં. 5 અને 9ની તમામ સમસ્યાઓનો નિકાલ કરવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો સામૂહિક હિજરત કરી કલેક્ટર કચેરી ખાતે ધામા નાખશે. પ્રમુખ અને ચીફ ઓફિસરે તાત્કાલિક સર્વે અને કામગીરીની ખાતરી આપી પરિસ્થિતિ અને હોબાળો વણસતો જોઈને ચીફ ઓફિસર તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને સમગ્ર કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર બંનેએ રહીશોને શાંત પાડીને સમગ્ર વિસ્તારનો તાત્કાલિક સર્વે કરાવી પાણી, ગટર, લાઈટ અને સફાઈની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં આખરે મામલો થાળે પડ્યો હતો. આ પણ વાંચો: Bhavnagar News: સિહોરમાં પીપળીયા વાળી નદીના વોકળામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 1.19 લાખનો મુદ્દામાલ જપ્ત
Read full article on Sandesh