top
ભરૂચ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ પરીક્ષા સામે ફરિયાદ કરી:સિલેબસ, પ્રશ્નપત્ર અને સમય અંગે આચાર્ય સમક્ષ રજૂઆત; નિયમો મુજબ અભ્યાસક્રમ રાખ્યાનો આચાર્યનો જવાબ
ભરૂચની શ્રી કે. જે. પોલિટેકનિકમાં મિડ સેમેસ્ટર પરીક્ષાની વ્યવસ્થાને લઈને વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓએ સિલેબસ મોડો જાહેર થયો, ભણાવવામાં ન આવેલા મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછાયા, સિલેબસ અને પ્રશ્નપત્રમાં મેળ ન હતો અને પરીક્ષા માટે પૂરતો સમય મળ્યો ન હોવાની ફરિયાદ કરી છે. આ મુદ્દે તેમણે આચાર્ય સમક્ષ સામૂહિક રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ ખાસ કરીને થર્ડ અને ફિફ્થ સેમેસ્ટરની ઓપન બુક પરીક્ષા પદ્ધતિ અંગે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના નિયમો અને અધિકૃત મંજૂરી વિશે સ્પષ્ટતા માગી છે. તેમણે પરીક્ષામાં પારદર્શિતા રાખવા, સિલેબસ સમયસર જાહેર કરવા અને ભણાવવામાં આવેલા અભ્યાસક્રમ મુજબ મૂલ્યાંકન કરવાની પણ માગ કરી છે. યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉચ્ચ સત્તાધિકારીઓ અને GTU સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓએ આપી છે. વિદ્યાર્થીઓની ફરિયાદ અંગે સંસ્થાના આચાર્ય એસ. એન. મિસ્ત્રીએ જણાવ્યું કે અભ્યાસક્રમ નિયમો મુજબ રાખવામાં આવ્યો હતો અને તેની જાણ અગાઉથી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવાનો પ્રશ્ન નથી. આચાર્યએ વધુમાં કહ્યું કે એક પેપરમાં સમયને લઈને ગેરસમજ થઈ હતી. વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય સુધારો કરીને નિર્ણય લેવાશે. અભ્યાસ કે પરીક્ષા અંગે વિદ્યાર્થીઓની રજૂઆતોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવાની ખાતરી પણ તેમણે આપી હતી.
Read full article on Divya Bhaskar