crime
ભરૂચના ઝાડેશ્વરમાંથી 14 વર્ષીય કિશોર ગુમ:જૂના સરદાર બ્રિજ પરથી સાઈકલ મળી, નર્મદા નદીમાં શોધખોળ શરૂ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી 14 વર્ષીય કિશોર કાનવ ધીરેન શાહ ગુમ થયો છે. ગઈકાલથી ગુમ થયેલા કિશોરની સાયકલ જૂના સરદાર બ્રિજ પરથી મળી આવતા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઝાડેશ્વર વિસ્તારની નિજધામ સોસાયટીમાં રહેતો કાનવ શાહ ગુમ થતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, ઝાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવી હતી. આ ઘટનાને પગલે કિશોર નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આશંકાના આધારે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘટનાની જાણ થતાં સી’ ડિવિઝન પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસમાં જોડાઈ છે. પોલીસે નર્મદા મૈયા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરી છે, જેથી કિશોરની છેલ્લી હિલચાલ અંગે કોઈ કડી મળી શકે. હાલ ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા નર્મદા નદી તથા આસપાસના વિસ્તારમાં કાનવની સઘન શોધખોળ ચાલી રહી છે. આ બનાવને પગલે પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. કિશોર અંગે કોઈ માહિતી મળે તો સી’ ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar