top
ભુજમાં 60 કિલો કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો:ત્રણ આરોપી ઝડપાયા, 60 હજારનો મુદ્દામાલ જપ્ત; ત્રણની શોધખોળ ચાલુ
પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) કોડાય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોપર કેબલ ચોરીના એક જૂના કેસનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી આશરે 60 કિલો કોપર વાયર અને ચોરીમાં વપરાયેલું એક વાહન મળી કુલ 60 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. LCBના પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગઢવી અને મૂળરાજભાઈ ગઢવીને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. તેમને જાણ થઈ હતી કે ભુતેશ્વર વિસ્તારમાં અબ્બાસ અલીમામદ કકલના ઘરના આંગણામાં કેટલાક લોકો કોપર વાયરનો જથ્થો લઈને બેઠા છે અને તેને વેચવાની તૈયારીમાં છે. આ બાતમીના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરી સ્થળ પર તપાસ કરી હતી, જ્યાંથી ત્રણ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા અબ્બાસ અલીમામદ કકલ, હનીફ ઉર્ફે બોચો કાસમ કુંભાર અને ભાવેશ હીરાલાલ સંગારે કબૂલ્યું હતું કે તેમણે લગભગ સાતથી આઠ મહિના પહેલા અન્ય ત્રણ સાથીદારો સાથે મળીને કોપર વાયરની ચોરી કરી હતી. વધુ તપાસમાં સામે આવ્યું કે આ ચોરી અંગે કોડાય પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મળેલા કોપર વાયરને શંકાસ્પદ મિલકત તરીકે જપ્ત કર્યો છે અને ત્રણેયની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. આ કેસમાં અશરફ સુલેમાન કુંભાર ઉર્ફે વાગડીયો, સાહિલ ઉર્ફે ગઢો શેખ અને આસીફ શેખ નામના અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ સમગ્ર કાર્યવાહી PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ, PSI એમ.એચ. શીણોલ અને LCBના પોલીસ કર્મચારીઓની ટીમે કરી હતી.
Read full article on Divya Bhaskar