politics
'બોગસ જન્મ દાખલા, 'અદ્રશ્ય' બાળકો દર્શાવી લાખોની ગ્રાન્ટ ચાઉં':મેંદરડામાં કાગળ પર ચાલતી ભગવતી આદિજાતિ આશ્રમશાળા, યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
જૂનાગઢના મેંદરડા તાલુકાના સુરજગઢની ભગવતી આદિજાતિ આશ્રમશાળામાં બોગસ જન્મના દાખલાઓ અને 'અદ્રશ્ય' એટલે કે માત્ર કાગળ પર દર્શાવેલા બાળકોના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી જવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આશ્રમશાળામાં ન તો કોઈ યોગ્ય બોર્ડ છે, ન બેઠક વ્યવસ્થા, ન ભોજનાલય કે ન તો લાયબ્રેરી છે. આમ છતાં સરકારે લાખોનું સરકારી ફંડ અને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે. આશ્રમશાળાના ચોપડે વિદ્યાર્થીઓ હાજર રૂમમાં એક પણ વિદ્યાર્થી દેખાયો નહીં હાજરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ ના કરાઈ AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ આશ્રમશાળાની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, 'પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા' અને 'બેટી બચાવો બેટી પઢાવો' જેવા મોટા નારાઓ વચ્ચે આદિજાતિ સમાજના બાળકોના કલ્યાણ માટે સ્થપાયેલી આ આશ્રમશાળા માત્ર કાગળ પર જ ચાલી રહી છે. જ્યારે શાળાના પ્રિન્સિપાલ પાસે હાજરીપત્રકની માગણી કરી ત્યારે તેમાં પ્રેઝન્ટ અને એબસન્ટની નોંધ હતી, પરંતુ શિક્ષણ વિભાગની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં હાજરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી નહોતી. સ્કૂલમાં લેવાયેલી ત્રિમાસિક પરીક્ષાના પ્રશ્નપત્રો પ્રિન્સિપાલ પાસે સુરક્ષિત રાખવાના બદલે ઉપલબ્ધ નહોતા. પૂછપરછ દરમિયાન એવો બચાવ કરવામાં આવ્યો કે પેપરો બાળકો પોતાની સાથે ઘરે લઈ ગયા છે. શાળા ચોપડે 75 બાળકોનો પ્રવેશ દર્શાવીને નિભાવ ગ્રાન્ટ, રેસિડેન્શિયલ ગ્રાન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સરકારી ફંડ મેળવવામાં આવે છે, પરંતુ સ્થળ તપાસ દરમિયાન એક પણ વિદ્યાર્થી હાજર મળ્યો નહોતો. 'બોગસ જન્મ દાખલા, LC બનાવાયા છે' જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોના બોગસ વયપત્રક, જન્મના દાખલા અને LC (લિવિંગ સર્ટિફિકેટ) બનાવીને બાળકોને શાળા ચોપડે ભણતા દર્શાવાયા છે. ભૂતકાળમાં ડીઈઓ, ટીપીઓ, ડીપીઓ, બીઆરસી, સીઆરસી અને આદિજાતિ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓએ આ આશ્રમશાળાની વિઝિટ બુકમાં કયા આધારે નોંધ કરી અને આ અદ્રશ્ય બાળકોને કેવી રીતે દ્રશ્યમાન કર્યા તેનો ખુલાસો અધિકારીઓએ આપવો જોઈએ. 'શાળાની સ્થિતિ ખરાબ છે અને વિદ્યાર્થીઓ ભણવા આવતા નથી' આશ્રમશાળાના પ્રિન્સિપાલ નિમિશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, 2017-18થી મારી અહીં કાયમી વિદ્યાસહાયક તરીકે નિમણૂક છે અને શાળામાં અન્ય કોઈ કર્મચારી ન હોવાના કારણે ચાર્જ પર છું. શાળામાં અત્યારે 3 રૂમ, 1 હોલ અને 1 કોઠાર આવેલો છે. ચોપડે 65થી 75 જેટલા બાળકોના નામ બોલે છે, પરંતુ સ્થળ પર હાજરી ખૂબ ઓછી હોય છે. 'ગેરરીતિઓની શંકાના આધારે આ ચુકવણી રોકી દેવાઈ' આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ ઇન્ચાર્જ કમિશનર અજય આચાર્યએ કહ્યું કે, ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2025માં આ સંસ્થા રાજકોટ કચેરી હેઠળ આવ્યા બાદ અધિકારીઓ દ્વારા સુરજગઢ આશ્રમશાળાની રૂબરૂ મુલાકાત લઈને તપાસ કરવામાં આવી હતી અને સ્થિતિનો વિગતવાર રિપોર્ટ ગાંધીનગર ઉપલી કચેરીને મોકલી દેવાયો છે. જ્યારથી આ આશ્રમશાળા રાજકોટ કચેરી હેઠળ આવી છે ત્યારથી સંસ્થાની ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને તેને એક પણ રૂપિયો નિભાવ ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી. પહેલાં વિદ્યાર્થી દીઠ માસિક રૂ. 2160 ચૂકવાતા હતા, જેમાં એપ્રિલ 2026થી વધારો કરીને રૂ. 2500 કરવામાં આવ્યા છે, પરંતુ ગેરરીતિઓની શંકાના આધારે આ ચુકવણી રોકી દેવાઈ છે. શાળાના પ્રિન્સિપાલ નિમેશ રાજગુરુની ભરતી તે સમયે વિભાગ દ્વારા જ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ગેરહાજરી બાબતે સંસ્થા પાસે ખુલાસો માગવામાં આવ્યો છે અને ગાંધીનગર ખાતે યોજાયેલી હિયરિંગમાં સંસ્થાના પ્રમુખ અને આચાર્ય બંને હાજર રહ્યા હતા. હાલ રાજકોટ કચેરી હેઠળ 7 જિલ્લાની 4 આશ્રમશાળાઓ આવે છે અને સુરજગઢ આશ્રમશાળાની માન્યતા રદ કરવા અંગેનો આખરી નિર્ણય ગાંધીનગર ખાતે વિચારણા હેઠળ છે શાળાની તપાસ પૂર્ણ કરી અહેવાલ રાજ્ય કચેરીને રજૂ જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ આશ્રમશાળા આદિજાતિ વિભાગ હસ્તકની હોવાથી તેની તમામ જાળવણી, નિભાવણી અને રેકોર્ડ્સની ચકાસણી તે વિભાગ જ કરે છે. આ મુદ્દો ધ્યાને આવતા જ આદિજાતિ વિભાગના નાયબ નિયામક સાથે વાતચીત કરી હતી, તેમણે શાળાની તપાસ પૂર્ણ કરી અહેવાલ રાજ્ય કચેરીને રજૂ કરી દીધો છે અને રાજ્ય કક્ષાએ તપાસ શરૂ થઈ ગઈ છે. આ સિવાય રૂબરૂમાં રજૂ થયેલા તમામ આધાર-પુરાવાઓને ધ્યાને રાખીને આગળની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે. 'જવાબદાર સામે 100% ખાતાકીય કાર્યવાહી કરાશે' 'આ કમિટી દ્વારા તપાસ કરીને તમામ આધારો ચકાસવામાં આવશે. તપાસ દરમિયાન જે પણ તથ્યો બહાર આવશે અને જે કોઈની પણ જવાબદારી નક્કી થશે, તે તમામ વિરુદ્ધ નિયમાનુસાર 100% ખાતાકીય કાર્યવાહી કરાશે. આ ઉપરાંત, શિક્ષણ વિભાગ પણ પોતાના સ્તરેથી ઊંડાણથી ચકાસણી કરશે અને જો આવી કોઈ બાબત ધ્યાને આવશે તો તેની જાણ આદિજાતિ વિભાગને પણ કરશે.'
Read full article on Divya Bhaskar