top
બોટાદમાં રૂ.44.11 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો:બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઓપરેશનમાં યુવતી સહિત ત્રણ આરોપીની ધરપકડ
બોટાદના હીરા બજારમાં આવેલી ઓફિસમાંથી રૂ. 44.11 લાખની કિંમતના 1,437 કેરેટ હીરાની ચોરીના ચકચારભર્યા કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. બોટાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી એક યુવતી સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. હીરા બજારમાં ઓફિસમાંથી થઈ હતી ચોરી મળતી માહિતી મુજબ, ગઈકાલે બોટાદના હીરા બજારમાં અશોકભાઈ જવેરભાઈ કણકોટીયાની ઓફિસમાંથી 1,437 કેરેટ હીરાની ચોરી થઈ હતી. ચોરીની ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ DYSP, LCB સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ચોરીના આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરી હતી અને વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. બોટાદથી અમદાવાદ ટ્રેનમાં ગયા હોવાની મળી માહિતી તપાસ દરમિયાન બોટાદ પોલીસે મહત્વની માહિતી મેળવી હતી કે હીરાની ચોરી કરનાર આરોપીઓ બોટાદથી અમદાવાદ જવા માટે ટ્રેનમાં સવાર થયા હતા. આ માહિતીના આધારે બોટાદ પોલીસે તાત્કાલિક અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. બોટાદ પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે બાવળા પોલીસે રેલવે સ્ટેશન પર કોર્ડન ગોઠવ્યું હતું. પોલીસની ટીમે ત્રણેય શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની તલાશી લેતા ચોરી કરાયેલા હીરા મળી આવ્યા હતા. ત્રણની ધરપકડ, રૂ.43.11 લાખના 1,437 કેરેટ હીરા રિકવર પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી કુલ રૂ. 43.11 લાખની કિંમતના 1,437 કેરેટ ચોરી કરાયેલા હીરા મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસે બચુભાઈ રમુભાઈ ભદાભાઈ સાડમીયા, વિનાભાઈ ધીરુભાઈ ઉર્ફે ધારુભાઈ દેવશીભાઈ જીલીયા અને સપનાબેન બચુભાઈ સાડમીયાની ધરપકડ કરી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar