top
ચાલીઓ- ઝુંપડપટ્ટીઓ હવે પાક્કા મકાન બનશે:વાડજમાં 4 ચાલીઓ રીડેવલોપમેન્ટ કરવામાં આવશે, સર્વે બાદ નવા મકાનો બનાવી લોકોને ફાળવાશે
અમદાવાદ શહેરને સંપૂર્ણ સ્લમ ફ્રી સિટી બનાવવાના અભિયાનના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વર્ષો જૂની ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓ હટાવીને ગરીબ પરિવારો માટે નવા સુવિધાસભર પાકા મકાનો બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત શહેરના સ્ટેડિયમ વોર્ડમાં વાડજ વિસ્તાર ખાતે આવેલી 4 જેટલી વિશાળ ચાલીઓ અને સ્લમ વિસ્તારોને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવા માટે હાઉસિંગ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ EWS કમિટી દ્વારા જરૂરી વહીવટી મંજૂરી સાથે આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમ વોર્ડની 4 ચાલીઓમાં બનશે નવા પાકા મકાનો હાઉસિંગ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ EWS આવાસ યોજના કમિટીના ચેરમેન દર્શન શાહે આ અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાડજ વિસ્તારમાં આવેલી આર.આર. શુક્લની ચાલી, રામીની ચાલી-ગોપાલનગર, ગુરુ ભગવાનની ચાલી તેમજ સાબર નગરનો આગામી દિવસોમાં સ્લમ રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં આવેલા કાચા મકાનો અને ઝૂંપડાં દૂર કરીને તેના સ્થાને તમામ આધુનિક સુવિધાઓ સાથેના બહુમાળી પાકા મકાનો બનાવવામાં આવશે. NGO મારફતે 700 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે કરાશે પ્રાથમિક અંદાજ મુજબ આ 4 ચાલીઓ અને સ્લમ વિસ્તારોમાં આશરે 700 જેટલા પરિવારો વસવાટ કરે છે. યોજનાના અમલ પૂર્વે ચોક્કસ કેટલા મકાનો છે, કયા-કયા પરિવારો વાસ્તવિક રીતે ત્યાં રહે છે અને તેમના આધાર-પુરાવાઓની ચોકસાઈ કરવા માટે ટૂંક સમયમાં જ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓ (NGO) ને સર્વેની કામગીરી સોંપવામાં આવશે, જેથી યોગ્ય અને મૂળ લાભાર્થીઓની યાદી તૈયાર થઈ શકે. ડ્રો સિસ્ટમથી હાઈરાઇઝ ફ્લેટ્સની ફાળવણી થશે સર્વેક્ષણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલમાં વસવાટ કરતા તમામ યોગ્યતા ધરાવતા રહીશોને નવા મકાન માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ધારિત જગ્યા પર આધુનિક હાઈરાઇઝ રહેણાંક ટાવર્સ બનાવવામાં આવશે અને નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ પારદર્શક રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા તમામ મૂળ લાભાર્થીઓને નવા પાકા ફ્લેટ્સની ફાળવણી કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને પોતાના હક્કનું પાકું છત મળે અને શહેર ઝૂંપડપટ્ટી મુક્ત બને તેવા દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન સાથે તંત્ર દ્વારા કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
Read full article on Divya Bhaskar