crime
સફારી કાર ફૂંકી મારનાર આરોપી પોલીસ સકંજામાં:આજવા રોડ પર કરોડોના પોન્ઝી વિવાદમાં યુવકે પેટ્રોલ છાંટી વેપારીની કાર સળગાવી હતી, CCTVની મદદથી પોલીસે દબોચ્યો
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી આશાલતાપાર્ક સોસાયટી (કમલાનગર તળાવ પાસે) ખાતે રહેતા વેપારી અંકુરભાઈ રાજેન્દ્રકુમાર પુરાણી પાસેથી 4.5 કરોડની ખોટી રીતે ઉઘરાણી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. આ વિવાદ અંગે હાલ અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરી અંગત અદાવત રાખીને વેપારીના ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી વૈભવી ટાટા સફારી કારને સળગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા હતા. મધ્યરાત્રિએ ઘરમાં ઘૂસી તોડફોડ અને આગ ચંપી વેપારી અંકુરભાઈ પુરાણીએ બાપોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, મંગળવારે રાત્રે આશરે 2.30 વાગ્યાના સુમારે આરોપી દિવ્યાંશુંસિંહ ઇલેન્દ્રસિંહ ચૌહાણ (રહે. ભાયલી) હાથમાં લોખંડનો ભારે સળિયો લઈને તેમના ઘરે પહોંચ્યો હતો. આરોપીએ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટાટા સફારી કારના કાચ તોડી નાખ્યા હતા અને ત્યારબાદ કાર પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. ધુમાડો અને આગની જ્વાળાઓ ઊઠતાં આસપાસના લોકો જાગી ગયા હતા, પરંતુ આરોપી તકનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. FSLની મદદ અને આરોપીની ધરપકડ આગચંપીની ઘટના અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડ અને બાપોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને FSLની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા હતા. બાપોદ પોલીસે ગુનો નોંધી આરોપી દિવ્યાંશુંસિંહ ચૌહાણની શોધખોળ આદરી હતી. આખરે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી લીધી છે અને આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar