business
Chandrasekharan Exit: નોએલ ટાટા vs ચંદ્રશેખરન: બોર્ડરૂમમાં શું થયું કે વાત એક્ઝિટ સુધી પહોંચી
Chandrasekharan Exit: ટાટા ગ્રુપના નેતૃત્વમાં એક મોટો ફેરફાર થયો છે. એન ચંદ્રશેખરન હવે ટાટા સન્સના ચેરમેન તરીકે વધુ એક કાર્યકાળ ઇચ્છતા નથી. 2017થી ટાટા ગ્રુપનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રશેખરનનો આ નિર્ણય અચાનક આવ્યો હોય તેમ લાગી શકે, પરંતુ તેની પાછળ છેલ્લા લગભગ છ મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને મતભેદોની લાંબી કહાની છે. જો વિગતે સમજીએ તો બે બળીયાઓના મતભેદનો આ જંગ છે. જેમાં એક તરફ છે ટાટા સન્સ જે ટાટા ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની છે અને જેના ચેરમેન તરીકે ચંદ્રશેખરન ગ્રુપની વ્યાપારી દિશાનું નેતૃત્વ કરતા હતા. બીજી તરફ છે ટાટા ટ્રસ્ટ (Tata Trusts), જે ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો ધરાવે છે અને જેના ચેરમેન હાલમાં નોએલ ટાટા (Noel Tata) છે. એટલે સરળ ભાષામાં કહીએ તો ટાટા ગ્રુપમાં સત્તાના બે મહત્વના કેન્દ્રો છે. એક તરફ કંપનીનું દૈનિક અને વ્યાપારી નેતૃત્વ અને બીજી તરફ તેની સૌથી મોટી માલિકી ધરાવતી ટ્રસ્ટ સંસ્થા. છેલ્લા કેટલાક મહિનામાં આ બંને કેન્દ્રો વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર મતભેદ સામે આવ્યા. આ મતભેદ એટલા આગળ વધ્યા કે ચંદ્રશેખરનના આગામી કાર્યકાળનો નિર્ણય પણ અટકી ગયો. ટાટા સન્સમાં આખરે શું થયું? અહીં વાત માત્ર ચંદ્રશેખરનના કાર્યકાળની નથી. ચંદ્રશેખરનનો હાલનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027 સુધી છે. તેમના વધુ પાંચ વર્ષના કાર્યકાળ માટે વિચારણા પણ ચાલી રહી હતી. પરંતુ આ નિર્ણય સરળતાથી આગળ વધ્યો નહીં. 24 ફેબ્રુઆરીએ Tata Sonsના બોર્ડે ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળ માટેના પ્રસ્તાવ પર નિર્ણય મુલતવી રાખ્યો. આ ઘટનાએ પહેલી વખત જાહેર સંકેત આપ્યો કે ટાટા ગ્રુપના ટોચના સ્તરે બધું ઠીક નથી. જોકે ચંદ્રશેખરને બાદમાં કહ્યું હતું કે આ પ્રસ્તાવને સર્વસંમતિ મળી નહોતી. એક બોર્ડ સભ્ય તેમની પુનઃનિયુક્તિના પક્ષમાં નહોતા અને આવી સ્થિતિમાં તેમણે પોતે નિર્ણય મુલતવી રાખવાનું પસંદ કર્યું હતું. પરંતુ તેની પાછળનો મોટો પ્રશ્ન હતો કે Tata Trusts ચંદ્રશેખરનના આગામી કાર્યકાળ અંગે શું વિચારે છે? નોએલ ટાટા vs ચંદ્રશેખરન: મતભેદ ક્યાં હતા? આ મતભેદને માત્ર વ્યક્તિગત અણબનાવ તરીકે જોવો યોગ્ય નથી. ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર વિચારસરણીમાં તફાવત હતો. ટાટા સન્સને લિસ્ટ કરવું કે નહીં? મુખ્ય મુદ્દાઓમાંથી આ એક મુદ્દો ટાટા સન્સના ભવિષ્ય સાથે જોડાયેલો હતો. ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવું કે તેને અનલિસ્ટેડ જ રાખવું? આ મુદ્દો ટાટા ગ્રુપ માટે માત્ર નાણાકીય નિર્ણય નથી. ટાટા ટ્રસ્ટ અને ગ્રુપના કેટલાક જૂના લોકો એવું માને છે કે ટાટા સન્સને અનલિસ્ટેડ રાખવાથી ટાટા ગ્રુપની લાંબા સમયથી ચાલતી સંસ્કૃતિ, નિયંત્રણ અને નિર્ણય લેવાની સ્વતંત્રતા જાળવી શકાય છે. બીજી તરફ, ચંદ્રશેખરનની વિચારસરણી અંગે ગ્રુપની અંદર એવી ચર્ચા હતી કે તેઓ ટાટા સન્સના લિસ્ટિંગની શક્યતા અંગે વધુ ખુલ્લા હોઈ શકે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે: આ મતભેદ માત્ર શેરબજારમાં કંપનીને લાવવી કે નહીં એટલો જ નહોતો. તેની પાછળ ટાટા ગ્રુપ આગળ કેવી રીતે ચાલશે તેનો મોટો સવાલ હતો. બીજી મોટી ચિંતા: અનલિસ્ટેડ કંપનીઓની ખોટ ટાટા ગ્રુપની માર્કેટ વેલ્યુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી છે. પરંતુ ગ્રુપની કેટલીક મોટી અનલિસ્ટેડ કંપનીઓ સતત ખોટ કરી રહી છે. FY26માં ટાટાની આઠ અનલિસ્ટેડ કંપનીઓની કુલ ખોટ ₹33,538 કરોડ હતી. તેમાં સૌથી મોટો હિસ્સો એર ઇન્ડિયા (Air India)નો હતો. એર ઇન્ડિયાની વાર્ષિક ખોટ વધીને ₹22,238 કરોડ થઈ હતી. Tata Digital પણ FY26માં ₹4,974 કરોડની ખોટમાં હતું. અહીંથી એક મોટો પ્રશ્ન ઊભો થયો કે, ટાટા ગ્રુપની લિસ્ટેડ કંપનીઓથી જબરદસ્ત મૂલ્ય સર્જાઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ કેટલીક અનલિસ્ટેડ કંપનીઓમાં મોટા પ્રમાણમાં મૂડી નાખવી પડી રહી છે. આ મૂડીનો ઉપયોગ કેટલો યોગ્ય છે અને આ કંપનીઓ ક્યારે નફાકારક બનશે? આ મુદ્દે નોએલ ટાટા અને ચંદ્રશેખરન વચ્ચે મતભેદ હોવાનું માનવામાં આવે છે. ટાટાની માર્કેટ વેલ્યુ વધી, પણ સવાલો પણ વધ્યા આ સમગ્ર ઘટનામાં એક રસપ્રદ વિરોધાભાસ જોવા મળે છે. છેલ્લા નવ વર્ષમાં Tata ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન ત્રણ ગણાથી પણ વધુ વધ્યું છે અને તે લગભગ ₹27 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. એટલે ચંદ્રશેખરનના સમર્થનમાં એક મજબૂત દલીલ છે કે તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે મોટું વિસ્તરણ કર્યું અને અનેક ક્ષેત્રોમાં પોતાની હાજરી મજબૂત કરી. પરંતુ બીજી બાજુ, Air India, Tata Digital જેવી અનલિસ્ટેડ કંપનીઓની ખોટ અને તેમાં થતો મૂડી ખર્ચ પ્રશ્નો ઊભા કરે છે. એટલે ચર્ચા હવે માત્ર “ગ્રુપની માર્કેટ વેલ્યુ કેટલી વધી?” પૂરતી રહી નથી. સવાલ એ પણ બન્યો છે કે ગ્રુપના દરેક મોટા બિઝનેસમાં મૂડીનો ઉપયોગ કેટલો અસરકારક રીતે થઈ રહ્યો છે? ચંદ્રશેખરનનું વેતન પણ ચર્ચામાં કેમ આવ્યું? આ સમગ્ર ઘટનામાં ચંદ્રશેખરનના વેતનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. FY26માં Tata સન્સના ચેરમેન તરીકે તેમનું કુલ મહેનતાણું વધીને ₹158.66 કરોડ થયું હતું. FY18માં આ આંકડો ₹55.11 કરોડ હતો. એટલે કે તેમના કાર્યકાળ દરમિયાન મહેનતાણામાં પણ છ વર્ષમાં ત્રણ ગણો નોંધપાત્ર વધારો થયો. આ આંકડાની ચર્ચા ત્યારે વધુ મહત્વની બની જ્યારે બીજી તરફ કેટલીક અનલિસ્ટેડ કંપનીઓમાં મોટા પ્રમાણમાં ખોટ નોંધાઈ રહી હતી. અલબત્ત, માત્ર વેતન વધ્યું અને કંપનીઓને ખોટ થઈ એટલે બંને વચ્ચે સીધો સંબંધ છે એવું કહેવું પણ પુરતુ નથી. પરંતુ કોર્પોરેટ ગવર્નન્સ, જવાબદારી અને મૂડી ફાળવણી અંગેની ચર્ચામાં આ મુદ્દો ચોક્કસપણે મહત્વનો બન્યો હોઇ શકે છે. બેઠક પહેલાં જ ચંદ્રશેખરન કેમ આગળ આવ્યા? અહીંથી સમગ્ર ઘટનાનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. Tata સન્સની 13 ઓગસ્ટની બેઠક અને 18 ઓગસ્ટની AGM આગળ આવી રહી હતી. ગ્રુપના કેટલાક ટ્રસ્ટીઓ વચ્ચે એવી ચર્ચા હતી કે 13 ઓગસ્ટની બેઠકમાં ચંદ્રશેખરનના કાર્યકાળના વિસ્તરણનો વિરોધ કરવામાં આવી શકે અથવા તેને અટકાવી શકાય. આ નિર્ણય પછી Tata સન્સની AGMમાં પણ મુદ્દો જઈ શકે તેમ હતો. જો આવું બન્યું હોત તો ચંદ્રશેખરનના કાર્યકાળ અંગેનો મતભેદ જાહેર અને સંભવિત રીતે વધુ વિવાદાસ્પદ બની જતો. પરંતુ તે પહેલાં જ ચંદ્રશેખરને કાર્યકાળ ન લંબાવાનો નિર્ણય ન લીધો. એટલે તેમની એક્ઝિટને એક રીતે “પોતાની શરતો પર બહાર નીકળવાનો નિર્ણય” પણ માનવામાં આવી રહ્યો છે. જો તેઓ એજીએમ બેઠક સુધી રાહ જોતા, તો કદાચ ટ્રસ્ટીઓનો નિર્ણય તેમની એક્ઝિટની દિશા નક્કી કરતો. તેના બદલે તેમણે પોતે જ આગળ આવીને નિર્ણય જાહેર કર્યો. ટાટા ટ્રસ્ટનું મહત્વ અને મતભેદ નોએલ ટાટા અને ચંદ્રશેખરન વચ્ચેના મતભેદને સમજવા માટે ટાટા ટ્રસ્ટની અંદરની સ્થિતિ પણ સમજવી પડશે. રતન ટાટાના ઓક્ટોબર 2024માં અવસાન બાદનોએલ ટાટા Tata Trustsના ચેરમેન બન્યા હતા. ટાટા ટ્રસ્ટનું મહત્વ એટલા માટે વધારે છે કે તેની પાસે ટાટા સન્સમાં લગભગ બે તૃતીયાંશ માલિકી હિસ્સો છે. એટલે ટાટા સન્સના બોર્ડ, તેના નેતૃત્વ અને ગ્રુપની લાંબા ગાળાની દિશામાં ટ્રસ્ટની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. પરંતુ નોએલ ટાટાના નેતૃત્વ બાદ Trustsની અંદર પણ કેટલાક મુદ્દાઓ પર મતભેદ સામે આવ્યા. મેહલી મિસ્ત્રીનો મુદ્દો પણ કેમ મહત્વનો છે? રતન ટાટાના નજીકના સાથી તરીકે ઓળખાતા મેહલી મિસ્ત્રીએ બે મુખ્ય ટ્રસ્ટના બોર્ડમાં પોતાની જગ્યાઓ ગુમાવી. ત્યારબાદ તેમણે ગવર્નન્સની વ્યવસ્થા અને સંભવિત હિતોના ટકરાવ અંગે મહારાષ્ટ્ર ચેરીટી કમિશ્નર સમક્ષ સવાલો ઉઠાવ્યા. બીજી તરફ વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહ સાથે જોડાયેલા મુદ્દાઓ પણ ટ્રસ્ટની અંદરની ખેંચતાણ તરફ સંકેત કરતા હતા. આ બધું દર્શાવે છે કે રતન ટાટા પછીનો સમય ટાટા Trusts માટે પહેલાની જેમ એકમત અને સરળ રહ્યો નથી. શું આ જૂના ટાટા અને નવા ટાટા વચ્ચેનો જંગ? આ સમગ્ર ઘટનાને લઈને બહાર અનેક પ્રકારની અટકળો પણ થઈ છે. કેટલાક વર્ણનોમાં તેને “old guard vs new guard”, તો કેટલાકમાં અન્ય સામાજિક અથવા પ્રાદેશિક ચશ્માથી જોવાનો પ્રયાસ થયો છે. પરંતુ ઉપલબ્ધ માહિતીના આધારે આવી અટકળોને ચંદ્રશેખરનના પ્રસ્થાનનું ચોક્કસ કારણ માનવું યોગ્ય નથી. જે મુદ્દાઓ વધુ સ્પષ્ટ રીતે સામે આવ્યા છે તે આ હોઇ શકે છે, Tata Sonsના ભવિષ્યનું માળખું, કંપનીને લિસ્ટ કરવી કે નહીં?, અનલિસ્ટેડ કંપનીઓની વધતી ખોટ, મૂડીની ફાળવણી, Tata ટ્રસ્ટનો વહીવટ અને ચંદ્રશેખરનના આગામી કાર્યકાળ અંગેનો મતભેદ. એટલે કે, આ આખા ઘટનાક્રમને માત્ર વ્યક્તિગત સત્તાસંઘર્ષ તરીકે જોવો પુરતો નથી. નોએલ ટાટા અને ચંદ્રશેખરન વચ્ચે શું થયું? સરળ ભાષામાં કહીએ તો એક તરફ ચંદ્રશેખરનના નેતૃત્વમાં ટાટા ગ્રુપે ઝડપી વિસ્તરણ અને મોટું મૂલ્ય સર્જ્યું. બીજી તરફ, કેટલીક અનલિસ્ટેડ કંપનીઓની ભારે ખોટ, મૂડીના ઉપયોગ અને Tata Sonsના ભવિષ્ય અંગે સવાલો ઊભા થયા. આ સવાલો માત્ર બોર્ડરૂમ સુધી મર્યાદિત રહ્યા નહીં. Tata Trusts, જે Tata Sonsના સૌથી મોટા માલિક છે, તેની અંદર પણ નેતૃત્વ અને ગવર્નન્સ અંગે મતભેદો ઊભા થયા. આ બધાની વચ્ચે ચંદ્રશેખરનના બીજા કાર્યકાળનો નિર્ણય છ મહિના સુધી અનિશ્ચિત રહ્યો. અને હવે, 13 ઓગસ્ટની Trusts બેઠક તથા 18 ઓગસ્ટની AGM પહેલાં, ચંદ્રશેખરને પોતે જ આગળ આવીને વધુ એક કાર્યકાળ માટે દાવો ન કરવાનો નિર્ણય લીધો. હવે ટાટા ગ્રુપ સામે સૌથી મોટો સવાલ શું? ચંદ્રશેખરનની એક્ઝિટ સાથે એક અધ્યાય પૂરો થઈ રહ્યો છે. પરંતુ ટાટા ગ્રુપ માટે મોટો સવાલ હવે એ છે કે આગળ કોણ? તેના કરતાં પણ મહત્વનું એ છે કે આગામી નેતૃત્વ Tata Sons અને Tata Trusts વચ્ચેના સંબંધને કેવી રીતે સંભાળશે. શું Tata Sons અનલિસ્ટેડ જ રહેશે? શું Air India અને Tata Digital જેવી કંપનીઓમાં કરાયેલા મોટા રોકાણો આગામી વર્ષોમાં પરિણામ આપશે? Tata Groupની ઝડપી વૃદ્ધિ અને તેની પરંપરાગત સંસ્કૃતિ વચ્ચે સંતુલન કેવી રીતે જળવાશે? આ બધા સાથે સૌથી મહત્વનું છે કે રતન ટાટા પછીના યુગમાં ટાટા ગ્રુપની માલિકી અને મેનેજમેન્ટ વચ્ચેનો સંબંધ કયા નવા સ્વરૂપમાં આગળ વધશે? આ પણ વાંચો । માયા ટાટા કોણ છે? ટાટા ગ્રૂપમાં સંભાળી શકે છે મોટી જવાબદારી, જાણો રતન ટાટા સાથે શું સંબંધ છે ચંદ્રશેખરનની એક્ઝિટ કદાચ આ કહાનીનો અંત નથી. પરંતુ તે ટાટા ગ્રુપમાં રતન ટાટા પછીના નવા અધ્યાયની એક શરૂઆત દેખાઇ રહી છે.
Read full article on The Indian Express