top
ચંડીસર GIDCમાંથી રૂ. 2.61 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મે. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાં તપાસ કરી
પાલનપુરના ચંડીસર GIDC વિસ્તારમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. 26 ઓગસ્ટ, 2026ના રોજ થયેલી આ તપાસમાં મે. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી ₹2.61 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ.વી. ગુર્જર અને કું. ઈ.એસ. પટેલની ટીમે ચંડીસર GIDC, પ્લોટ નં. 195 પર આવેલી ‘મે. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ’ ખાતે તપાસ કરી હતી. આ પેઢી ‘હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી’ (500 એમ.એલ. પેકિંગ)નું ઉત્પાદન અને વેચાણ કરતી હતી. તપાસ દરમિયાન, સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ.વી. ગુર્જર દ્વારા ઘીનો નમૂનો ગુણવત્તા ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. નમૂના લીધા બાદ, સ્થળ પરથી ‘હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘી’ના 500 એમ.એલ.ના કુલ 806 પેકેટ, એટલે કે 403 લીટર ઘી, જેની અંદાજિત કિંમત ₹2,61,950/- થાય છે, તે જપ્ત કરવામાં આવ્યું હતું. હાલમાં જપ્ત કરાયેલા ઘીના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006’ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આવી તપાસો અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવે છે.
Read full article on Divya Bhaskar