crime
દારૂના નશામાં ધૂત વેપારીનો ભયાનક અકસ્માત:BRTS રૂટમાં બેફામ કાર દોડાવી ડિવાઈડર સાથે અથડાવી 8 પલટી મારી, ટાયર નીકળી ગયું, આગળનો ખુરદો બોલી ગયો
શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે રાંદેર પોલીસ મથકની હદમાં મોડી રાત્રે ડ્રંકન ડ્રાઈવિંગ અને ભયાનક અકસ્માતનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. રાંદેર મોરાભાગળ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે નશામાં ધુત થઈને બેફામ રીતે કાર હંકારતા એક વેપારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની કિંમતી સ્કોડા કુશાક કાર વાંકી-ચુકી ચલાવીને જઈ રહ્યો હતો અને પોલીસે અટકાવવાનો ઈશારો કરતા કાર ભગાડી મુકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર BRTS રૂટમાં ઘૂસી જઈ ડિવાઈડર સાથે અથડાઈને ગમખ્વાર રીતે પલટી મારી ગઈ હતી. BRTS રૂટમાં બેફામ હંકારી ડિવાઈડર સાથે અથડાવી, કારે 8 પલટી મારી ઘટનાની વિગત મુજબ, આજે 10 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે આશરે 03:00 વાગ્યાના સુમારે રાંદેર પોલીસ મોરાભાગળ ચાર રસ્તા પાસે પ્રોહિબિશન ગુનાઓ અંગે વાહન ચેકિંગમાં હતા. આ સમયે રામનગર તરફથી આવતી એક બ્લેક કલરની સ્કોડા કુશાક ફોર-વ્હીલર (GJ-05-JV-1788) અત્યંત બેફામ અને વાંકી-ચુકી રીતે આવતી જણાઈ હતી. પોલીસે ચાલકને ગાડી રોકવા ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર રોકવાને બદલે જોરથી એક્સિલેટર આપી કાર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ભાગવાના ચક્કરમાં નશામાં ધૂત ચાલકે કાર BRTS રૂટમાં બેફામપણે દોડાવી મૂકી હતી. કારનો વેગ એટલો પ્રચંડ હતો કે તે BRTS ના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રસ્તા પર આશરે આઠ પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારનું આગળનું આખું ટાયર પણ નીકળીને દૂર ફેંકાઈ ગયું અને બોનટ તથા એન્જિનનો સાવ ખુડદો બોલી ગયો હતો. સ્થિતિ પામી ગયેલા પોલીસ જવાનોએ ત્વરિત કડક પગલું ભરી ચાલકને રોકી અટકાયત કરી હતી. બ્રેથ એનાલાઈઝરમાં 120 mg આલ્કોહોલ માલૂમ પડ્યો અકસ્માત બાદ પોલીસે પંચોની હાજરીમાં ચાલકને નીચે ઉતારી પૂછપરછ કરી હતી. ચાલકે તોતળાતી જીભે પોતાનું નામ રફિક હુસેનખાન પઠાન (ઉંમર 40 વર્ષ, ધંધો: વેપાર, રહે. 160 દરબારનગર, ઉન, સુરત) હોવાનું જણાવ્યું હતું. ચાલકના મોઢામાંથી પુષ્કળ પ્રમાણમાં દારૂની દુર્ગંધ આવતી હતી અને તેની આંખો અત્યંત લાલ તેમજ નશાથી ઘેરાયેલી હતી. ચાલક પોતાના શરીરનું સંતુલન પણ જાળવી શકવાની સ્થિતિમાં નહોતો. પોલીસે સ્થળ પર જ બ્રેથ એનાલાઈઝર મશીન વડે તપાસ કરતા આલ્કોહોલની માત્રા 120 mg/100ml જણાઈ આવી હતી. દારૂ પીવા અંગે તેની પાસે કોઈ પાસ કે પરમિટ નહોતી. ₹12 લાખની સ્કોડા કાર જપ્ત, સિવિલમાં લોહીના નમૂના લેવાયા પોલીસે આરોપી રફિક પઠાનની અંગજડતી લીધી હતી, પરંતુ કોઈ અન્ય ગુનાહિત વસ્તુ મળી આવી નહોતી. વધુ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા માટે આરોપીને મેડિકલ યાદી સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લોહીના નમૂના લેવડાવવા મોકલવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અકસ્માતગ્રસ્ત બનેલી આશરે ₹12,00,000/- ની કિંમતની બ્લેક કલરની સ્કોડા કુશાક કાર કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. આ અંગે હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈની ફરિયાદના આધારે આરોપી રફિક હુસેનખાન પઠાન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar