politics
દાહોદમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો:DDO હિરેન બારોટે સમયસર પ્રશ્નોના નિકાલની સૂચના આપી
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઓગસ્ટ માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકોએ પોતાના અંગત અને સામૂહિક પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠક દરમિયાન જમીન દબાણ, હોસ્પિટલની આરોગ્ય સેવાઓ, પીવાના પાણીના પ્રશ્નો, પેન્શનના મામલા, નવા રસ્તાઓ બનાવવા અને બંધ રસ્તાઓ ખુલ્લા કરવા બાબતની ફરિયાદો સામે આવી હતી. આ ઉપરાંત, માહિતી અધિકાર અને પ્રશાસકીય કામગીરીને લગતા વિવિધ પ્રશ્નો પણ અરજદારો દ્વારા રજૂ કરાયા હતા. DDO હિરેન બારોટે ઉપસ્થિત તમામ અરજદારોની 20 થી વધુ અરજીઓ રૂબરૂ સાંભળી હતી. નાગરિકોની રજૂઆતોને ધ્યાનથી સાંભળ્યા બાદ તેમણે સંબંધિત તમામ અમલીકરણ અધિકારીઓને લોકપ્રશ્નોનો સમયસર અને નીતિ-નિયમોનુસાર નિકાલ લાવવા માટે કડક સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠક અને સ્થળ પર થયેલી ચર્ચાના પરિણામે એક અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલ તેમજ જિલ્લાના અન્ય સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે.
Read full article on Divya Bhaskar