top
તાપીની પંચાયતોમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ:DDO ને ફરિયાદ, ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
તાપી જિલ્લાના વ્યારા તાલુકાની વ્યાવલ અને સરવાળા ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો અને રેતી-કાંકરીની ગ્રાન્ટમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને આવેદનપત્ર પાઠવી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. આક્ષેપો અનુસાર, વર્ષ 2022 થી 2025 દરમિયાન વ્યાવલ ગ્રામ પંચાયતમાં આશરે 7 કરોડ રૂપિયા અને સરવાળા ગ્રામ પંચાયતમાં આશરે 4 કરોડ રૂપિયાના વિકાસ કામો અને તેની ચૂકવણીઓમાં ગેરરીતિ થઈ હોવાની શંકા છે. અરજદારોએ 'અનુજ એન્ટરપ્રાઇઝ', 'અનુજ મજૂર અને કામદાર મંડળી' તેમજ 'દેવાલા મજૂર અને કામદાર મંડળી'ના નામે થયેલા કામો, બિલ, વાઉચરો અને બેંક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી છે. એપીએમસી નિઝરના ચેરમેન અને સુમુલ ડેરીના ડિરેક્ટર યોગેશભાઈ રાજપૂત અને સોનુ રાજપૂતની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. રજૂઆત મુજબ, ગ્રામ પંચાયતના સરપંચની જાણ બહાર નાણાકીય વ્યવહારો થયા હોઈ શકે છે અને ખોટી સહીઓનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આથી, ફોરેન્સિક હસ્તાક્ષર નિષ્ણાત દ્વારા તપાસ કરાવવાની માંગ કરાઈ છે. સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અરજદારોએ એમબી બુક, ટેન્ડર, વર્ક ઓર્ડર, બેંક સ્ટેટમેન્ટ્સ અને સ્થળ તપાસ (ભૌતિક ચકાસણી) સાથે ફોટોગ્રાફિક પંચનામું કરવાની માંગ કરી છે. અગાઉ પણ આ અંગે ફરિયાદો થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, રાજકીય દબાણ વગર નિષ્પક્ષ અધિકારીઓ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે એફઆઈઆર નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
Read full article on Divya Bhaskar