top
Delhi Hostel Collapse | દિલ્હી સત્ય નિકેતન બિલ્ડિંગ ધરાશાયી: 7નાં મોત, 12 બચાવાયા; HCએ MCDની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા
Delhi Hostel Building Collapse updates । દિલ્હીના સત્ય નિકેતનમાં પાંચ માળની ખાનગી હોસ્ટેલ ધરાવતી ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 7 થયો છે, જ્યારે 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સોમવારે બીજા દિવસે પણ કાટમાળ હટાવીને કોઈ અન્ય વ્યક્તિ ફસાઈ છે કે નહીં તેની શોધખોળ ચાલુ રહી હતી. આ ઘટનાને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરતાં કહ્યું કે આ દુર્ઘટનાની જવાબદારી માત્ર બિલ્ડિંગ માલિકો સુધી મર્યાદિત નથી. કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી (MCD) અને દિલ્હી યુનિવર્સિટી (DU) ની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે MCD અને DU પાસેથી જવાબ માગ્યો ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે કહ્યું કે આ ઘટના દિલ્હી યુનિવર્સિટી અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોસ્ટેલની સુવિધા, વિદ્યાર્થીઓની સુરક્ષા તેમજ PG અને હોસ્ટેલને નિયંત્રિત કરવા માટે સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવતા પગલાં અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. કોર્ટે કહ્યું કે દિલ્હીમાં ઇમારતોનું બાંધકામ અને સમારકામ કાયદા અનુસાર થાય તે સુનિશ્ચિત કરવાની કાયદાકીય જવાબદારી MCDની છે. સત્તાવાળાઓ પોતાની જવાબદારીઓ પ્રત્યે વધુ સજાગ રહ્યા હોત તો આ દુર્ઘટના ટાળી શકાય તેવી શક્યતા હતી, તેમ કોર્ટે નોંધ્યું. હાઈકોર્ટે દિલ્હી સરકાર, MCD, દિલ્હી યુનિવર્સિટી અને દિલ્હી પોલીસને 10 દિવસમાં અલગ-અલગ જવાબ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે MCDને એ પણ સ્પષ્ટ કરવા કહ્યું છે કે PG અને હોસ્ટેલને નિયંત્રિત કરવા માટે કોઈ કાયદાકીય નિયમો છે કે નહીં. બીજી તરફ, DUને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં કેટલા બહારગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને DU અથવા સરકાર દ્વારા કેટલી હોસ્ટેલ ચલાવવામાં આવે છે તેની માહિતી આપવા જણાવાયું છે. MCDના પાંચ અધિકારીઓ સસ્પેન્ડ સત્ય નિકેતન દુર્ઘટના બાદ MCDએ દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ કુમાર સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા અન્ય અધિકારીઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર લલિત કુમાર, સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર રણવીર સિંહ, આસિસ્ટન્ટ એન્જિનિયર સુનીલ ચૌહાણ અને જુનિયર એન્જિનિયર આશિષ કુમારનો સમાવેશ થાય છે. દિલ્હીના મેયર પ્રવેશ વાહી મુજબ, આ મામલે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ પહેલેથી જ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે શહેરમાં બેદરકારી કોઈ પણ સ્તરે સહન કરવામાં આવશે નહીં અને ભવિષ્યમાં ચાર માળથી વધુની ઇમારતમાં બાંધકામ સંબંધિત બેદરકારી જોવા મળે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલ્ડિંગ માલિક સામે FIR, પોલીસ કાર્યવાહી દુર્ઘટના બાદ બિલ્ડિંગના માલિક હરિરામ બંસલ સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે તેમની શોધ માટે 10 ટીમો બનાવી હતી અને બાદમાં તેમને હરિયાણાના ભિવાડીમાંથી પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે માલિક અને અન્ય લોકો સામે ગેરઇરાદતન હત્યા (culpable homicide), ઇમારતની જાળવણીમાં બેદરકારી અને અન્ય લોકોની સુરક્ષા જોખમમાં મૂકવા જેવા આરોપો હેઠળ કેસ નોંધ્યો છે. માલિક ગુડગાંવના પોતાના ઘરેથી મળી ન આવતા તેમની સામે Look Out Circular (LOC) જારી કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસે કોન્ટ્રાક્ટર સહિત અન્ય જવાબદાર લોકોની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે. બાજુની ઇમારત પણ જોખમી, તોડવાનો આદેશ ધરાશાયી થયેલી ઇમારતની બાજુમાં આવેલી બીજી ઇમારતને પણ જોખમી ગણાવીને MCDએ તેને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. મિલકત નંબર 13ના માલિકને ઇમારત તોડી પાડવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. MCDના જણાવ્યા અનુસાર આ ઇમારત ત્યાં રહેતા લોકો, રાહદારીઓ અને આસપાસની અન્ય ઇમારતો માટે જોખમ ઊભું કરતી હતી. 50 વર્ષ જૂની ઇમારતમાં બેઝમેન્ટમાં કામ ચાલી રહ્યું હતું સત્ય નિકેતનમાં દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલી આ ઇમારત લગભગ 50 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે ઇમારતના બેઝમેન્ટમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ ઇમારતમાં અગાઉથી તિરાડો અને મોટા પ્રમાણમાં પાણીનું લીકેજ હોવાનો દાવો કર્યો હતો. વધારાના માળ બાંધવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સત્ય નિકેતનમાં આવી અનેક ઇમારતોમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં તેના પર યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી. જોકે, આ તમામ આક્ષેપોની તપાસ હાલ ચાલી રહી છે. બીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોમવારે સત્ય નિકેતનની મુલાકાત લઈને બચાવ અને શોધખોળ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે AIIMSમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. દરમિયાન, કાટમાળમાં હજુ કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં તે જાણવા રેસ્ક્યૂ ટીમો દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. બાજુની ઇમારતની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાટમાળ હટાવવાની કામગીરી સાવચેતીપૂર્વક કરવામાં આવી રહી હતી. આ પણ વાંચો । દિલ્હી સત્ય નિકેતનમાં પાંચ માળનું બિલ્ડિંગ ધરાશાયી, CCTV કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના દિલ્હી હાઈકોર્ટે પણ આ ઘટનાને લઈને દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ની તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે.
Read full article on The Indian Express