politics
રાજકોટમાં મંજૂરી વિના સ્થળ ફેરફાર કરતી શાળાઓ સામે તવાઈ:ન્યૂ ફ્લોરા, અંબિકા સ્કૂલ બંધ કરવા DEO એ નોટિસ ફટકારી : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહીની માંગ
રાજકોટ શહેરમાં મંજૂરી વિના સ્થળ ફેરફાર કરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. પેડક રોડ પરની ન્યૂ ફ્લોરા અને ભક્તિનગર સર્કલ પાસેની અંબિકા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને મંજૂર સ્થળને બદલે અન્ય જગ્યાએ ભણાવવામાં આવતા હતા. જોકે લાંબા સમયથી શિક્ષણ વિભાગને ઉલટા ચશ્મા પહેરાવતા તત્વો કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાની રજૂઆત બાદ ખૂલ્લા પડ્યા હતા. પ્રથમ વખત હોયરિંગમાં ન્યૂ ફ્લોરા સ્કૂલના સંચાલકો તો ઉપસ્થિત પણ નહોતા રહ્યા. જોકે હવે DEO દ્વારા 14 નંબરની સ્કૂલ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યુ ફ્લોરા સ્કૂલ પાસે ફાયર NOC અને BU (બિલ્ડીંગ યુઝ) સર્ટિફિકેટ ન હોવાને કારણે મહાનગરપાલિકાએ સીલ કરી હતી. આજે અમને ત્યાં બીજી માહિતી એ મળી છે કે સ્થળ ફેરફારની મંજૂરી વિના જ આ સ્કૂલ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે. આસપાસના સ્થાનિકોના કહેવા મુજબ જે જગ્યાએ સાડીનું કારખાનું હતું ત્યાં પાર્ટીશન ઊભા કરી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના સ્કૂલ શરૂ કરી દેવામાં આવી. છેલ્લા બે વર્ષથી આ સ્કૂલ ધમધમે છે છતાં મહાનગરપાલિકા કે શિક્ષણ વિભાગે અહીં તપાસ માટેની તસ્દી ન લીધી. હવે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે મહાનગરપાલિકાએ 18 જુલાઈના આ સ્કૂલને ફાયર એનઓસી ન હોવા બાબતે નોટિસ ફટકારી. સાડીના કારખાનામાં દીવાલો ઊભી કરી પતરાના શેડ પર સ્કૂલ શરૂ કરી દેવામાં આવી છે. અહીં 450 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમની સલામતી પર મોટું જોખમ ઉભુ થયું છે. અહીં કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ? અહીં એન્ટ્રી અને એક્ઝિટ એક જ છે. જે ફાયર વિભાગના નિયમોની વિરુદ્ધ છે. આ ઉપરાંત વિદ્યાર્થી ધોરણ 7 માં અભ્યાસ કરતો હતો તેના લિવિંગ સર્ટિફિકેટમાં જે એડ્રેસ લખવામાં આવ્યું હતું તેમાં અને રાજ્ય સરકારના UDIAS (યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) માં લખાયેલા સ્કૂલના એડ્રેસમાં વિસંગતતા હતી. જે બાદ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે શહેરના 80 ફુટ રોડ ઉપર કોઠારીયા કોલોનીમાં અંબિકા વિદ્યાલય ચાલે છે તેના વિદ્યાર્થીઓનું પ્રાઇમરી સેકશન યુનિવર્સિટી રોડ પરની પ્રીમિયર સ્કૂલના બિલ્ડીંગમાં ચાલે છે. જેથી પ્રીમિયર સ્કૂલ બોગસ એડમિશનો લેતી હોય તેમજ અંબિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ બેસાડવામાં આવતા હોવાથી આવી બોગસ સ્કૂલોને બંધ કરવાની સાથે બોગસ એડમિશનો રદ થાય તે જરૂરી છે.
Read full article on Divya Bhaskar