crime
ધાર-ઉજ્જૈન હાઇવે અકસ્માતમાં પંચમહાલના 6 યુવાનોના મોત:ગોધરા-શહેરાના છ મિત્રોની અંતિમયાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર પંથકમાં શોકનો માહોલ
ધાર-ઉજ્જૈન હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના છ યુવાનોના કરૂણ મોત થયા હતા. ઉજ્જૈનમાં મહાકાળના દર્શન કરીને પરત ફરી રહેલા મિત્રો કારમાં સવાર હતા. દરમિયાન રોંગ સાઇડથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગોધરા અને શહેરાના યુવાનોનો સમાવેશ આ અકસ્માતમાં જીવ ગુમાવનારા છ યુવાનો પૈકી ચાર ગોધરા તાલુકાના અને બે શહેરા તાલુકાના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં ગોધરાના બહારપુરા સ્મશાન રોડ વિસ્તારમાં રહેતા વિમલ મુકેશભાઈ સોલંકી અને શહેરા ભાગોળ વિસ્તારમાં રહેતા મયુર ચૌહાણનો પણ સમાવેશ થાય છે. વાલ્મિકી સમાજ સહિત સમગ્ર પંથકમાં શોક છ યુવાનોના અચાનક મોતના સમાચારથી પંચમહાલ જિલ્લામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાસ કરીને વાલ્મિકી સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. જવાનજોધ યુવાનોના મોતથી તેમના પરિવારજનો અને સ્વજનો પર આભ તૂટી પડ્યું હતું. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા આજે મૃતક યુવાનોની અંતિમયાત્રા યોજાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં ઉમટેલી જનમેદનીએ બંને યુવાનોને અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરિવારજનો, સ્વજનો અને સમાજના લોકોએ ભારે હૈયે યુવાનોને અંતિમ વિદાય આપી હતી. ગમગીન માહોલમાં અંતિમ વિદાય અશ્રુભીની આંખો સાથે પરિવારજનો અને સ્વજનો દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમયાત્રા દરમિયાન સમગ્ર વિસ્તાર ગમગીન માહોલમાં ગરકાવ થયો હતો. આ કરૂણ ઘટનાને પગલે વાલ્મિકી સમાજ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
Read full article on Divya Bhaskar