top
ધોળા ગામે ખોટી શંકા રાખી યુવક પર ખૂની હુમલો:મિત્રના ઓટલે બેઠેલા યુવકને ઢીકાપાટુ મારી છરીનો ઘા ઝીંક્યો, 3 સામે ગુનો
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે એક મહિલાના ઘરે આવવા-જવાની બાબતમાં ખોટી શંકા રાખી એક યુવક પર ત્રણ શખસોએ હુમલો કરી છરીનો ઘા ઝીંકી દેવાની ઘટના સામે આવી છે. મિત્રના ઘરના ઓટલે બેઠેલા યુવકને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યા બાદ છરી વડે હુમલો કરાતાં ચકચાર મચી ગઈ છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઉમરાળા પોલીસે ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રના ઓટલે બેઠા હતા ત્યારે બાઇક પર આવીને હુમલો કર્યો બનાવ અંગેની પોલીસ ફરિયાદ અનુસાર, ધોળા ગામે રહેતા મયુરભાઈ અશોકભાઈ ઝંઝવાડીયાનો ગામની જ એક મહિલા સાથે ઘરે આવવા-જવાનો સામાન્ય વ્યવહાર હતો. આ બાબત ગામના જ કેટલાક શખસોને પસંદ નહોતી અને તેઓ મયુરભાઈ પર ખોટી શંકા રાખતા હતા. ગતરોજ મયુરભાઈ પોતાના મિત્રના ઘરના ઓટલા પર બેઠા હતા, તે દરમિયાન ગામના ત્રણ શખસો બાઇક લઈને ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ પણ કારણ વગર બોલાચાલી શરૂ કરી દીધી હતી. ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો, છરીનો ઘા ઝીંક્યો આરોપીઓએ ઉશ્કેરાઈને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર બાદ રજા અપાઈ, ઉમરાળા પોલીસમાં ફરિયાદ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મયુરભાઈને તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા ઉમરાળા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર તખ્તસિંહજી (સર ટી.) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જરૂરી સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ઉમરાળા પોલીસે રોહન રાઠોડ, રૂત્વિક રાઠોડ અને ચિરાગ આહિર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ જીપી એક્ટ (GP Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar