top
દમણમાં 'રફ્તાર નહીં, સંસ્કાર' અભિયાન:ડેપ્યુટી કલેકટરે થાર-ફોર્ચ્યુનર વાહનચાલકોને ટ્રાફિક નિયમોના પાલનના શપથ લેવડાવ્યાં
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં માર્ગ અકસ્માતો પર લગામ લગાવવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા સ્થાનિક પ્રશાસન અને RTO વિભાગ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થાર અને ફોર્ચ્યુનર જેવી શક્તિશાળી SUVને બેફામ ઝડપે ચલાવવા તથા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે. 'રફ્તાર નહીં, સંસ્કાર'ના સંદેશ સાથે સંકલ્પ યાત્રા અભિયાનના ભાગરૂપે 'રફ્તાર નહીં, સંસ્કાર'ના સંદેશ સાથે થાર અને ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં થાર, ફોર્ચ્યુનર સહિતની લક્ઝરી SUVના માલિકો અને વાહનચાલકો જોડાયા હતા. રેલીનો હેતુ ખાસ કરીને યુવાનો અને SUV ચાલકોને રસ્તા પર જવાબદારીપૂર્વક વાહન ચલાવવા પ્રેરિત કરવાનો હતો. વાહનચાલકોએ લીધા સુરક્ષાના શપથ સંકલ્પ યાત્રા દરમિયાન વાહનચાલકો અને માલિકોને ગાડીની ઝડપ નિયંત્રણમાં રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તથા રાહદારીઓની સુરક્ષાનું ધ્યાન રાખવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. પ્રશાસનનો સંદેશ સ્પષ્ટ હતો કે રસ્તા પર હીરોગીરી કે દાદાગીરી નહીં, પરંતુ જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ જરૂરી છે. ડેપ્યુટી કલેક્ટરે સુરક્ષાને પ્રાધાન્ય આપવા અપીલ કરી ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહે જણાવ્યું હતું કે રસ્તા પર વાહન ચલાવતી વખતે અંધાધૂંધ ઝડપ કરતાં સુરક્ષા અને સંસ્કારને પ્રાધાન્ય આપવું જરૂરી છે. યુવાનોમાં વાહન ચલાવવાની સાથે સામાજિક જવાબદારીની ભાવના કેળવાય અને રસ્તા પર કોઈપણ પ્રકારની હીરોગીરી કે દાદાગીરી ન થાય તે માટે આવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ પ્રશાસન અને RTO વિભાગે દમણના તમામ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી છે. રસ્તા પર પોતાની સાથે અન્ય લોકોનો જીવ પણ સુરક્ષિત રહે તે માટે દરેક વાહનચાલક જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરે તેવો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar