politics
સમી બાળકી તસ્કરી: બાળકીને વેચનાર જન્મદાત્રી માતા ભિવંડીથી ઝડપાઈ:ખરીદનાર પ્રેમી-પંખીડાં બાદ માતાની અટકાયત; DNA સેમ્પલ લેવાયા, પિતાની શોધખોળ
પાટણ જિલ્લાના સમી તાલુકાના કઠીવાડા નજીક બંધ મિલના કંપાઉન્ડમાંથી મળી આવેલી 6 થી 7 મહિનાની ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પાટણ એલસીબી અને સમી પોલીસે બાળકીને ખરીદીને છોડી દેનાર યુગલની ધરપકડ કર્યા બાદ, આર્થિક તંગીના કારણે પોતાની જ બાળકીને વેચી દેનાર જન્મ આપનાર માતાની મહારાષ્ટ્રના ભિવંડીથી ધરપકડ કરી છે. સમી તાલુકાના કઠીવાડા ગામના રહેવાસી લાલાજી ચંદુજી ઠાકોરે 12 સપ્ટેમ્બર 2026 ના રોજ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કઠીવાડા બસ સ્ટેન્ડ નજીક આવેલી દીશા ઇન્ડસ્ટ્રીઝ નામની બંધ કપાસની મિલના દરવાજા પાસે આશરે 6 થી 7 મહિનાની બાળકી છોડી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. સમી પોલીસે આ અંગે ગુનો નોંધી બાળકીને મેડિકલ સારવાર બાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપી હતી. તપાસ દરમિયાન પાટણ એલસીબીએ 15 સપ્ટેમ્બર 2026 ના રોજ પરેશભાઈ લગધીરભાઈ ઠાકોર અને રેખાબેન બાબુભાઈ વાલ્મિકીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બાળ તસ્કરીની કલમો ઉમેરી 23 સપ્ટેમ્બર 2026 સુધીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે બંને સાથે રહેવા માંગતા હતા અને સંતાનની જરૂરિયાત હોવાથી આશરે 2 મહિના પહેલા સરખેજ રેલ્વે સ્ટેશનથી સિકંદર સુલતાન કુરેશી અને મુસ્કાન પાસેથી બાળકી ખરીદી હતી. બાળકી સતત રડતી હોવાથી 11 સપ્ટેમ્બર 2026 ના રોજ તેને કઠીવાડા નજીક બંધ મિલમાં મૂકીને ભાગી ગયા હતા. રિમાન્ડ દરમિયાન કરાયેલી સઘન પૂછપરછમાં મૂળ માલેગાવની અને હાલ અમદાવાદ રહેતી મુસ્કાન મહારાષ્ટ્રના ભિવંડી ખાતે હોવાની માહિતી મળી હતી. પાટણ એલસીબીની ટીમે ત્યાં પહોંચી 22 સપ્ટેમ્બર 2026 ના રોજ મુસ્કાન સિકંદર સુલતાન કુરેશી (ઉંમર 26) ની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું કે મુસ્કાન અને તેના પતિ સિકંદરને આર્થિક તંગી હોવાથી તેઓએ પોતાની જ બાળકીને અમુક રૂપિયામાં વેચી દીધી હતી. બાળકીની તેના અસલી માતા-પિતા સાથેની કડી જોડવા માટે ડીએનએ સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમી પોલીસે મુસ્કાનને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાનૂની કાર્યવાહી કરી રહી છે, જ્યારે ભાગી ગયેલા આરોપી પતિ સિકંદર કુરેશીને પકડવા માટે તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar