politics
દ્વારકા SHE-TEAM દ્વારા રેલવે, બસ-સ્ટેન્ડ પર અભિયાન:મહિલા સુરક્ષા અને સાયબર જાગૃતિ માટે મુસાફરોને માર્ગદર્શન અપાયું
દ્વારકા પોલીસે મહિલા સુરક્ષા અને સાયબર ગુનાઓ અંગે જાગૃતિ લાવવા માટે રેલવે સ્ટેશન અને બસ-સ્ટેન્ડ ખાતે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન SHE-TEAM દ્વારા ચલાવવામાં આવ્યું હતું. દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ SHE-TEAMના કર્મચારીઓએ દ્વારકા રેલવે સ્ટેશન અને બસ-સ્ટેન્ડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મુસાફરો અને યાત્રિકોને મહિલા સુરક્ષા, મહિલા સહાય અને સાયબર ક્રાઇમ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અભિયાન દરમિયાન, મહિલાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી, હેરાનગતિ કે અસુરક્ષાની પરિસ્થિતિમાં તાત્કાલિક પોલીસની મદદ લેવા અંગે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાયબર ફ્રોડ, ઓનલાઈન છેતરપિંડી, OTP શેર ન કરવા, અજાણ્યા નંબર પરથી આવતા શંકાસ્પદ ફોન તથા અજાણી લિંક પર ક્લિક ન કરવા અંગે પણ લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. SHE-TEAM દ્વારા મુસાફરો અને યાત્રિકોને મહિલા હેલ્પલાઇન 181, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 અને ઇમરજન્સી હેલ્પલાઇન 112 વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. દ્વારકા પોલીસ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નાગરિકોને સાયબર ગુનાઓથી બચાવવા માટે સતત જાગૃતિ, માર્ગદર્શન અને સુરક્ષા સંબંધિત કામગીરી કરી રહી છે.
Read full article on Divya Bhaskar