politics
સાહેબ મિટિંગમાં છે:મહિલા કોર્પોરેટરના પતિએ ધારાસભ્યને ડાટી મારી, મંત્રીઓેને નંબર પ્લેટ વગરની EVમાં ફરવાનો શોખ જાગ્યો
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... બે મંત્રીઓ નંબર પ્લેટ વગરની EVમાં સચિવાલયમાં ફરતા હોવાનો ગણગણાટ સચિવાલયમાં સામાન્ય કર્મચારી કે મુલાકાતીને પ્રવેશ માટે અનેક પ્રકારની ચકાસણીમાંથી પસાર થવું પડે છે, ત્યારે મંત્રીઓ માટે નિયમો અલગ છે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે. અગાઉ એક મંત્રી નંબર પ્લેટ વગરની મોંઘી EV ગાડીમાં સચિવાલયમાં આવતા હોવાની ચર્ચા બાદ હવે રાજ્યકક્ષાના અન્ય એક મંત્રી પણ નંબર પ્લેટ વગરની EVમાં ફરતા હોવાનો ગણગણાટ છે. તાજેતરમાં કેબિનેટ બેઠકમાં મંત્રી મોંઘી ગાડીમાં આવ્યા હતા અને ગાડી પર નંબર પ્લેટ ન હોવાનું પણ ધ્યાન ખેંચાયું હતું. હવે બે મંત્રીઓની ગાડીઓ નંબર પ્લેટ વગર હોવાની ચર્ચાએ ટ્રાફિક નિયમોની અમલવારી સામે સવાલો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિક પાસેથી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવે છે ત્યારે મંત્રીઓ માટે પણ નિયમો સમાન છે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. મહિલા કોર્પોરેટરના પતિએ ધારાસભ્યને ડાટી મારી અમદાવાદ એક જાણીતી ક્લબમાં કોંગ્રેસના ધારાસભ્ય અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ધારાસભ્યએ કોર્પોરેટર પતિને તેમના પત્નીને ગ્રાઉન્ડ પર મોકરવા કહ્યું હતું. જે વાતનું લાગી આવતા કોર્પોરેટર પતિએ ડાટી મારતા જોઈ લેવાની ચીમકી આપી હતી. ધારાસભ્ય સાથે થયેલા આ વર્તનની હાઈકમાન્ડે પણ નોંધ ન લીધી હોવાની ચર્ચા છે. કોટ વિસ્તારના મહિલા કોર્પોરેટરો કરતા તેના પતિ વધુ સક્રિય હોવાનું સામે આવ્યું છે. કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે, જે પ્રદેશ નેતાગીરી વિપક્ષના નેતા નક્કી કરી શકતી નથી તે કોર્પોરેટરના પતિ સામે શું પગલાં લેવાના? માતૃશક્તિના કઠોળમાં Expiry Dateનો વિવાદ, રાજકોટમાં જથ્થો પહોંચ્યો નહીં સુરતમાં માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા બહેનોને આપવામાં આવતા કઠોળના જથ્થામાં Expiry Dateનો ઉલ્લેખ ન હોવાનું આંગણવાડી બહેનો દ્વારા જણાવાયા બાદ હવે રાજકોટ જિલ્લામાં લાંબા સમયથી જથ્થો જ પહોંચ્યો ન હોવાની ફરિયાદ સામે આવી છે. આ મુદ્દે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષા વકીલને સવાલ કરવામાં આવતા તેમણે આ પ્રકારની વાત માટે સીધા મંત્રીને ન પૂછવું જોઈએ તેવો જવાબ આપ્યો હતો. તેમજ જથ્થો પહોંચાડવાનું કામ રમણભાઈ સોલંકીના વિભાગનું હોવાનું કહીને મંત્રીએ જવાબદારી બીજા વિભાગ તરફ ધકેલી હતી. સૌથી મોટો સવાલ એ છે કે જો ગેરરીતિ કે બેદરકારી થઈ હોય તો જવાબદાર અધિકારી સામે શું કાર્યવાહી કરવામાં આવી? આ સવાલનો સ્પષ્ટ જવાબ પણ મળ્યો ન હતો. સગર્ભા મહિલાઓ સાથે જોડાયેલી યોજનામાં જથ્થાની ગુણવત્તા અને સમયસર વિતરણ અંગે હવે તંત્ર શું પગલાં લે છે તેના પર નજર રહેશે. ધારાસભ્યને ફોન કરો તો ‘હાર્દિક પટેલ’ બનીને બીજું કોઈ વાત કરે છે? નંબર પર આવતી ફરિયાદોથી ચર્ચા ધારાસભ્ય હાર્દિક પટેલનો સંપર્ક કરવા માટે વિધાનસભામાં આપવામાં આવેલા નંબર અંગે લોકોમાં અજીબોગરીબ ફરિયાદો સામે આવી રહી હોવાની ચર્ચા છે. ફરિયાદ મુજબ, હાર્દિક પટેલને ફોન કરવામાં આવે ત્યારે અન્ય વ્યક્તિ ફોન ઉપાડે છે અને ‘હાર્દિકભાઈને આપો’ કહેવામાં આવે તો સામેની વ્યક્તિ જ ‘હા બોલો, શું કામ હતું?’ કહીને વાત શરૂ કરે છે. ત્યારબાદ કામની વિગતો પૂછ્યા પછી હાર્દિકભાઈ ગામડાઓમાં છે, તેમની સાથે વાત નહીં થઈ શકે તેવો જવાબ આપવામાં આવતો હોવાની ફરિયાદો છે. જો વિધાનસભામાં જાહેર કરાયેલો સંપર્ક નંબર ધારાસભ્યના નામે છે તો તેને અન્ય વ્યક્તિ કેમ રિસીવ કરે છે અને લોકો સાથે ધારાસભ્ય તરીકે વાત કેમ થાય છે તેવો સવાલ ઊઠી રહ્યો છે. પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ સુધી સીધો સંપર્ક ન થઈ શકતો હોવાની ફરિયાદો હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની છે. CM અને CS વિઝા લેવા માટે મુંબઈ કોન્સ્યુલેટની ઓફિસે પહોંચ્યા 2027 જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટના રોડ શો અને પ્રચાર પ્રસાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતનું પ્રતિનિધિમંડળ 16મીથી અમેરિકા અને કેનેડાના 10 દિવસના પ્રવાસે જઈ રહ્યુ છે. જ્યાં બિઝનેસ રોડ-શો અને વન-ટુ-વન બેઠકોમાં તેઓ ભાગ લેશે તેમજ.અમેરિકા અને કેનેડાના અગ્રણી ઉદ્યોગપતિઓ, સેમિકન્ડક્ટર, ફિનટેક, રિન્યુએબલ એનર્જી અને આઈટી ક્ષેત્રના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા અને વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા સત્તાવાર રીતે આમંત્રણ આપશે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ પ્રથમવાર USની મુલાકાતે જઈ રહ્યા છે. જો કે રસપ્રદ વાત એ પણ છે કે, છેલ્લે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે US ગયા હતા. હવે ત્રણ દાયકાના લાંબા ગાળા બાદ ગુજરાતના CM યુએસ જશે. વિઝા લેવા માટે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સહિતના અન્ય કેટલાક અધિકારીઓ મુંબઈ કોન્સ્યુલેટની ઓફિસમાં ગયા હતા. જો કે, ગાડીઓનો કાફલાને કોન્સ્યુલેટની અંદર જવા દેવાયો હતો. જ્યાં બાયોમેટ્રીક થયા બાદ સીએમ-સીએસને ફુલો આપીને સ્વાગત કરાયુ હતુ. ત્યારબાદ ચા-નાસ્તો કરી ઔપચારિક વાતચીત કર્યા બાદ તેઓ ગાંધીગનર પરત આવવ રવાના થયા હતા. બોલો, AMCના અધિકારીને જ ખબર નહોતી કે પદાધિકારીની ઓફિસ કેટલામાં માળે છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ વર્ષોથી નોકરી કરે છે પરંતુ ક્યારેય કેબિનની બહાર ન નીકળતા અધિકારીઓને ક્યારેક હોદ્દેદારોની પણ ઓફિસ શોધવી પડે એવો કિસ્સો બન્યો હતો. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં પાંચમા માળે ફરજ બજાવતા એક અધિકારીને ભાજપના ચોથા માળે બેસતા એક હોદ્દેદારની કેબિન ક્યાં આવી એની ખબર નહોતી. દરેક કેબિનની બહાર કમિટીના ચેરમેનના નામના બોર્ડ માર્યા હોય છે તેમ છતાં પણ આ અધિકારીને કઈ જગ્યાએ હોદ્દેદાર બેસે છે તેની ખબર નહોતી અને એક પટાવાળાને પૂછવું પડ્યું હતું. ત્યારે પટાવાળાએ કે કીધું હતું કે સાહેબ આ બાજુ નહીં બીજી બાજુ ઓફિસ આવેલી છે. પાંચમા માળે બેસતા અધિકારીને જો કયા હોદ્દેદાર ક્યાં બેસે છે એની ઓફિસ ના મળતી હોય તો અધિકારીને બહાર ફિલ્ડમાં ક્યાંય નોકરીમાં મુકવામાં આવશે તો કેવી રીતે આ કામ કરશે તેનો મોટો સવાલ છે. જિલ્લા પંચાયતની બેઠકમાં 'વંદેમાતરમ્' અધૂરું વગાડવામાં આવતા નારાજગી તાજેતરમાં જ એક મહાનગરમાં જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે બેઠક મળી હતી. જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓ અને IAS અધિકારીની હાજરીમાં વંદેમાતરમ ગીત વગાડવામાં આવ્યું હતું. જોકે વંદે માતરમનું ગીત ત્રણ મિનિટનું આખું વાગવાની જગ્યાએ બે કડી સુધી જ વાગ્યું હતું.હવે કોઈ પણ કાર્યક્રમમાં વંદે માતરમ ગીત ત્રણ મિનિટનું આખું વગાડવામાં આવે છે. પરંતુ જિલ્લા પંચાયતની બેઠક પહેલા ગીત અધૂરું વગાડવામાં આવ્યું હતું. જેને લઈને ભાજપના નેતાઓમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ નાઈટ ચેકિંગ સમયે સ્ટ્રીટ ફૂડની મજા માણી અમદાવાદમાં મોડીરાત્રે ફરનારા અસામાજિક તત્વો અને ગુનેગારોને પાઠ ભણાવવા માટે ખુદ પોલીસ કમિશનર અન્ય IPS અધિકારીઓ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને નાઈટ ચેકિંગ બાદ મોડી રાતે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ રાત્રે નાઈટ સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી હતી. માણેકચોક ખાણીપીણી બજારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને અન્ય અધિકારીઓએ ઢોંસા, સેન્ડવીચ, ભાજીપાવ સહિતના સ્ટ્રીટ ફૂડની મજા માણી હતી.નાઈટ ચેકિંગ બાદ અધિકારીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. એક સાથે બેસી IPS અધિકારીઓ નેતાની જેમ પણ હવે સ્ટ્રીટ ફૂડ માણતા થઈ ગયા છે. જોકે નેતાઓ અને IPS અધિકારીઓમાં એક ફરક છે કે સાહેબો માટે ટેબલો અને બધું વ્યવસ્થિત ગોઠવાઈ જતું હોય છે અને સામાન્ય માણસો જલ્દી બાજુમાં હોતા નથી. જ્યારે નેતાઓ સામાન્ય નાગરિકની જેમ બેસી અને ફૂડની મજા માણતા હોય છે. 'સારવાર માટે આવતા દર્દીઓએ લાઈનમાં ઉભું ન રહેવું પડે એવી સિસ્ટમ ગોઠવો' બુધવારે મળેલી કમિટી ઓફ સેક્રેટરીઝની બેઠકમાં આ વખતે મુખ્ય સચિવ એમ.કે. દાસે હેલ્થનો મામલો હાથમાં લીધો હતો. આ અગાઉ તેઓએ પ્રાથમિક શાળામા એજ્યુકેશનનુ સ્તર સુધારવાનો તેમજ બાળકોમાં રહેલા કુપોષણને દૂર કરવાની વાત કરી હતી. જ્યારે આ વખતે તેઓએ તમામ સચિવોને કહ્યુ કે, સરકારી દવાખાનાઓ-સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી ભીડ હોય છે. કોઈ દર્દી આવ્યા પછી સારવાર માટે તેમને 5થી 6 કલાક સુધી રાહ જોવી પડે એ સ્થિતિ શરમજનક છે. આથી સિસ્ટમમા સુધારો કરવાની જરુર છે. દર્દી બીમાર હોવાથી અને વધુ સમય બેસી રહેતો હોવાથી એકબીજાના ચેપ લાગવાની પણ શક્યાતો છે. જરુર પડ્યે પીપીપી મોડેલ ડેવલપ કરીને પણ આ સમસ્યાઓનો નિકાલ લાવવાનો રહેશે. સરકાર હેલ્થ પાછળ હજારો કરોડનુ બજેટ ફાળવતી હોય અને કેન્દ્ર સરકાર પણ ગ્રાન્ટ આપતી હોય આવી સ્થિતિને ચલાવી શકાય નહી. દર્દીઓને રાહ જોયા વગર ફટોફટ ટ્રીટમેન્ટ મળે એવી વ્યવસ્થા ગોઠવવાની તાકીદ તેઓએ કરી છે. સચિવાલયમાં ચર્ચા છે કે, સીએસ સાહેબ દર વખતે સારા મુદ્દાઓની ચર્ચા કરે છે અને આદેશો આપે છે પણ વાસ્તવમાં તેનો કેટલો અમલ થઈ રહ્યો છે તેની કોઈને ખબર નથી.
Read full article on Divya Bhaskar