crime
લસકાણા જમીન વિવાદમાં કોર્ટના આદેશથી મોટો વળાંક:સુરત ક્રાઇમ બ્રાન્ચે જેને આરોપી બનાવ્યો તેણે જ ઓડિયો ક્લિપ રજૂ કરી 'ફરિયાદી'ની પોલ ખોલી, સરથાણામાં વ્યાજખોરીની FIR
પાંચ વર્ષ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચે (DCB) જે વ્યક્તિને કરોડો રૂપિયાના લસકાણા જમીન કૌભાંડમાં આરોપી ગણાવી જેલભેગો કરી દીધો હતો, તે જ કેસમાં હવે ચિત્ર ઊલટું થઈ ગયું છે. ભોગ બનનાર તરીકે સામે આવેલા ફરિયાદી પોતે જ વ્યાજખોર હોવાનો પર્દાફાશ થયો છે. મૂળ આરોપીએ અદાલતમાં પુરાવા અને ઓડિયો રેકોર્ડિંગ રજૂ કરતાં કોર્ટે ગુનો નોંધવા આદેશ આપ્યો હતો, 16.62 કરોડની પઠાણી ઉઘરાણી કરી હતી. આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેને પગલે સરથાણા પોલીસે તત્કાલીન ફરિયાદી જિતેન્દ્ર પટેલ અને તેના બે સાગરીતો વિરુદ્ધ બદઈરાદાથી ખોટો કેસ કરવા તેમજ ધીરાણ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પહેલાં 2 કરોડના કૌભાંડમાં ધરપકડ કરી, 6 મહિને જેલમાંથી છૂટ્યા પાંચ વર્ષ પહેલાં ક્રાઇમ બ્રાન્ચમાં જમીન દલાલ જિતેન્દ્ર લક્ષ્મણ પટેલે (રહે. શાકુંતલ સોસાયટી, દિવાળીબાગ, અઠવા લાઇન્સ) જમીન દલાલ રાજુ રવજી દેસાઈ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરાયો હતો કે, વર્ષ 2015માં રાજુ દેસાઈએ લસકાણા ખાતેની જમીન રૂ. 8.25 કરોડમાં વેચવાનો સોદો કરી રૂ. 2 કરોડ પડાવી લીધા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે રાજુ દેસાઈની ધરપકડ કરી હતી અને તેઓ છ મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયા હતા. ઓડિયો રેકોર્ડિંગે ભાંડો ફોડ્યો, 2 કરોડ સામે રૂ.16.62 કરોડ માંગ્યા જેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ દેસાઈએ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા પુરાવા એકઠા કર્યા હતા. રાજુ દેસાઈની ગેરહાજરીમાં જમીનનો વહીવટ સંભાળતા બાબુભાઈ સુતરિયા પાસે જિતેન્દ્ર પટેલના કર્મચારી પંકજ માવજી બગડિયા (રહે. શિવાન એવન્યુ, ડભોલી)એ રૂ.16.62 કરોડની પઠાણી ઉઘરાણી કરી હતી. આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પંકજે કબૂલ્યું હતું કે, આ નાણાં વાસ્તવમાં 3% માસિક વ્યાજે અપાયેલી રૂ.2 કરોડની રકમ પેટે માગવામાં આવી રહ્યા છે. વ્યાજે લીધેલા નાણાં સામે કોરા ચેકમાં રૂ.6.70 કરોડ ભરી કેસ કર્યો હકીકતમાં, રાજુ દેસાઈએ પોતાના પરિચિત પરેશ માધવ કાકડિયા (રહે. માધવ પ્લેટીના, જહાંગીરપુરા) મારફતે જિતેન્દ્ર પટેલ પાસેથી રૂ.2 કરોડ વ્યાજે લીધા હતા. તે સમયે સિક્યોરિટી પેટે જમીનનો સાટાખત અને કોરા ચેક પડાવી લેવાયા હતા. આ રકમમાંથી રૂ.35 લાખ વચેટિયા પરેશે રાખી લીધા હતા, જ્યારે રાજુ દેસાઈએ વ્યાજ પેટે રૂ.1.30 કરોડ ચૂકવી પણ દીધા હતા. બાકીની રકમ ચૂકવી ન શકાતાં આરોપીઓએ સિક્યોરિટી પેટે લીધેલા કોરા ચેકમાં રૂ.6.70 કરોડની રકમ ભરી ચેક બાઉન્સનો કેસ કર્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચમાં ખોટી ફરિયાદ નોંધાવી જેલભેગા કરાવી દીધા હતા. પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા વર્ષ 2023માં પણ આ મામલે પોલીસ સમક્ષ થયેલી અરજીની તપાસ દરમિયાન વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા હતા. આ તમામ હકીકતો અને સાયન્ટિફિક પુરાવા કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે જિતેન્દ્ર પટેલ, પંકજ બગડિયા અને પરેશ કાકડિયા સામે ગુનો નોંધવા આદેશ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ 5 વર્ષ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે નિષ્પક્ષ તપાસ કરી હતી કે, વ્યાજખોરોના દબાણમાં આવીને નિર્દોષને જેલમાં ધકેલી દીધો હતો, તેવા ગંભીર સવાલો સુરત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા છે.
Read full article on Divya Bhaskar