business
ગાંધીનગરમાં ભેળસેળિયા વેપારીઓ સામે સીલિંગ કાર્યવાહી કરો:રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવવા સંકલનની બેઠકમાં કલેકટરનો આદેશ
ગાંધીનગર જિલ્લા વહીવટી કચેરીમાં કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવીને નાગરિકોની સમસ્યાઓનો સમયસર અને નિયમસર ઝડપી નિકાલ લાવવા ઉપરાંત તહેવારો દરમિયાન ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા અને રખડતા પશુઓની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા કલેકટરે સુચના આપી હતી. ભેળસેળિયા વેપારીઓ સામે કલેક્ટરનું કડક વલણ આજે મળેલી સંકલનની બેઠકમાં સરકારી યોજનાઓના અમલીકરણ અને આંતરિક વિભાગીય પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં શ્રાવણ માસ અને આગામી તહેવારો જેવાં કે નવરાત્રી અને દિવાળીને ધ્યાનમાં રાખીને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે કલેક્ટરે કડક વલણ અપનાવ્યું હતું. હોટેલો અને દુકાનોને સીલ કરવા આદેશ તેમણે ફૂડ સેફ્ટી અધિકારીઓને માવા, મીઠાઈ, પનીર અને ફરાળી વાનગીઓનું સઘન ચેકિંગ કરવા આદેશ આપ્યા છે. તેમજ ભેળસેળ કરતી હોટેલો અને દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને કારણે થતા અકસ્માતો અટકાવવા કડક પગલાં ભરવા અને 'જન વિકાસ ઝુંબેશ-2026' હેઠળ તમામ જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા તાકીદ કરી છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા 'બેક ટુ સ્કૂલ' અભિયાન આ ઉપરાંત કલેકટર ધ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ 'બેક ટુ સ્કૂલ' અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે કલેક્ટર રવિન્દ્ર ખતાલે પોતે 'નિ-ક્ષય મિત્ર' બનીને દર્દીઓને દત્તક લેવાની તત્પરતા દર્શાવી હતી અને અન્ય તમામ અધિકારીઓને પણ આ સત્કાર્યમાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. માણસા, કલોલ અને દહેગામના ધારાસભ્યોએ લોકપ્રશ્નો રજૂ કર્યા આ બેઠક દરમિયાન UGVCL દ્વારા ગુજરાત વાયર ફ્રી સીટી અભિયાન અને સૌરઊર્જાના વ્યાપ અંગે ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું .બેઠકમાં માણસા, કલોલ અને દહેગામ ધારાસભ્યોએ લોકપ્રશ્નો રજૂ કર્યા હતા. માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે ઈટાદરા ગામમાં ભારે વરસાદ દરમિયાન અધિકારીઓની સમયસૂચકતા અને આયોજનબદ્ધ કામગીરીથી થયેલા ત્વરિત પાણીના નિકાલ બદલ તંત્રની સરાહના કરી હતી. આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર વિપુલ ઠક્કર, DRDA ડાયરેક્ટર નિલોફર શેખ, એડિશનલ કલેક્ટર અમિત પરમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar