ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
Tiranga Yatra: ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત ભવ્ય રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય યાત્રામાં અંદાજે 25,000 જેટલા ઉત્સાહી નાગરિકો સહભાગી થયા હતા. યાત્રા શહેરના ગ-6 સર્કલથી પ્રસ્થાન કરી, ઘ-6 સર્કલ અને ચ-6 સર્કલ થઈને નમસ્તે સર્કલ ખાતે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો જોડાયા હતા. યાત્રામાં જોડાયેલા તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ તેમજ દેશના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના આકર્ષક કટઆઉટ્સ જોવા મળ્યા હતા.
યાત્રાના સમગ્ર રૂટ પર દેશભક્તિની થીમ આધારિત વિશેષ બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માર્ગમાં યાત્રાના સ્વાગત માટે આઠ વિશેષ સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી જશે અમેરિકા પ્રવાસે
જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ સમિટના પ્રચાર-પ્રસાર અને રોડ-શો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવનારી 16 સપ્ટેમ્બરથી અમેરિકા અને કેનેડાના 10 દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યું છે.
આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અને તેમની ટીમ બિઝનેસ રોડ-શો તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકોમાં ભાગ લેશે. તેઓ ખાસ કરીને સેમિકન્ડક્ટર, ફિનટેક, રિન્યુએબલ એનર્જી અને આઈટી (IT) ક્ષેત્રના વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા અને વાયબ્રન્ટ સમિટ 2027માં સહભાગી થવા માટે સત્તાવાર આમંત્રણ આપશે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની આ પ્રથમ અમેરિકા મુલાકાત છે. આ પહેલાં ત્રણ દાયકા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ યુએસના પ્રવાસે ગયા હતા. આ 30 વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાતના કોઈ મુખ્યમંત્રી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી અને મુખ્ય સચિવના વીઝા સહિતની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.