ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...
Kinjal Rabari video statement: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ પાસેથી ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અચાનક ગાયબ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. કિંજલના સાસરિયાઓએ અમદાવાદ પોલીસને તેના અપહરણની આશંકા સાથે તાત્કાલિક જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં કિંજલ એક કાળા કલરની કારમાં બેસીને જતી જોવા મળી હતી. આ ઘટના સમયે જ્યારે કિંજલ કારમાં બેસી રહી હતી ત્યારે તેના વર્તમાન પતિ મુકેશને કોઈ અજાણ્યા શખ્સોએ પકડી રાખ્યો હોવાની વિગતો પણ ખૂલી હતી. આ ગંભીર ઘટનાને પગલે ચાંદખેડા પોલીસે ત્વરિત એક્શન લઈ અલગ અલગ ટીમો બનાવી મહેસાણા અને પાટણ તરફ રવાના કરી હતી, તેમજ રાધનપુર અને મહેસાણા પોલીસને પણ સતર્ક કરી દેવામાં આવી હતી.
શરૂઆતમાં પોલીસની તપાસ અનેક દિશાઓમાં ચાલી રહી હતી. શું કિંજલનું ખરેખર અપહરણ થયું છે કે પછી તે પોતાની મરજીથી ફરી એકવાર ભાગી ગઈ છે? સીસીટીવીમાં તે જાતે કારમાં બેસતી દેખાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાના મૂળ કિંજલના ભૂતકાળ સાથે જોડાયેલા છે. રાધનપુરના સિનાદ ગામની વતની કિંજલ રબારીએ 2 મે, 2024 ના રોજ અશોક ચૌધરી નામના યુવક સાથે પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ બંને સમાજમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. સમાજના ભારે દબાણ હેઠળ કિંજલ પાસે છૂટાછેડા લેવડાવવામાં આવ્યા હતા. આ કાનૂની પ્રક્રિયા દરમિયાન 15 જૂન, 2026 ના રોજ કોર્ટની મુદ્દત વખતે અશોક ચૌધરી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ વિવાદ બાદ કિંજલના લગ્ન ગોતરકા ગામના યુવાન સાથે કરાવી દેવામાં આવ્યા હતા.
જોકે, હવે આ સમગ્ર કેસમાં એક અત્યંત મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. ગાયિકા કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં પોતાનો એક વીડિયો જાહેર કરીને અપહરણની તમામ થિયરીઓને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. વીડિયોમાં કિંજલે ખુલાસો કર્યો છે કે તેનું કોઈ જ અપહરણ થયું નથી, પરંતુ તે પોતાની પૂર્ણ સ્વેચ્છાએ પોતાના પ્રથમ પ્રેમ અને પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે.
કિંજલે વીડિયોમાં પોતાની આપવીતી વર્ણવતા નીડરતાથી જણાવ્યું હતું કે, "હું કિન્જલબેન દેસાઈ, અશોકકુમાર ચૌધરીની પત્ની છું. અમે 2/5/2024 ના રોજ લગ્ન કર્યા હતા. મેં મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ન માનતા અમે 10/3/2026 ના રોજ સાથે જતા રહ્યા હતા. ત્યારબાદ મારા પિયરના લોકોએ અમને પકડીને મારા પતિને ઢોર માર માર્યો હતો. મને બળજબરીથી રાધનપુર કોર્ટમાં લઈ જઈ છૂટાછેડાની અરજી કરાવવામાં આવી હતી. મને ઘરમાં ગોંધી રાખીને મારી મરજી વિરુદ્ધ અન્ય પરપુરુષ સાથે મારા લગ્ન કરાવી દેવાયા હતા. ત્યાં મારા જીવને જોખમ હોવાથી મેં સામેથી મારા પતિ અશોકનો સંપર્ક કર્યો અને 6/9/2026 ના રોજ હું સ્વેચ્છાએ તેમની સાથે આવી ગઈ છું."
અંતમાં કિંજલે પોલીસ અને વહીવટીતંત્રને વિનંતી કરી છે કે પોતે પોતાના મૂળ પતિ સાથે સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેથી આ મામલે કોઈએ પણ ખોટી પોલીસ ફરિયાદ કે કેસ કરવો નહીં. આ વીડિયો સામે આવ્યા બાદ અત્યાર સુધી અપહરણની દિશામાં તપાસ કરતી પોલીસ માટે પણ આખો કેસ સ્પષ્ટ થઈ ગયો છે અને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.