politics
ગૌશાળામાં ગૌમૂત્ર-છાણમાંથી બની રહી છે ખાસ રાખડીઓ:ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' ઘોષિત કરવા રક્ષાબંધને દેશભરમાં અનોખું અભિયાન, સુરત સહિત અન્ય રાજ્યોમાં હજારો રાખડીઓ મોકલાશે
દેશભરમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગ હવે એક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે. અગાઉ હજારો ગૌભક્તો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હવે આ અભિયાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવા અને તેને વધુ વેગવંતું બનાવવા માટે રક્ષાબંધનના પવિત્ર તહેવારનો સહારો લેવામાં આવી રહ્યો છે. ગૌશાળામાં ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી અને વૈદિક રાખડીઓ તૈયાર કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. ગૌમૂત્ર અને છાણમાંથી હજારો રાખડીઓ તૈયાર કરાઈ ગૌશાળામાં કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરીને મોટા પાયે આકર્ષક રાખડીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દેશી ગાયના છાણના પાઉડર અને ગૌમૂત્રના મિશ્રણમાંથી બેઝ તૈયાર કરી, તેના પર 'ગૌમાતા-રાષ્ટ્રમાતા' જેવા જાગૃતિ ફેલાવતા પ્રેરણાદાયી સ્લોગનના સ્ટીકરો લગાવવામાં આવ્યા છે. આ રાખડીઓ માત્ર રક્ષાનું પ્રતીક જ નહીં, પરંતુ ગૌસંવર્ધન અને ગૌરક્ષાના સંદેશનો વાહક પણ બનશે. સુરત સહિત દેશભરના બજારોમાં સપ્લાય કરાશે આગામી રક્ષાબંધન પર્વને ધ્યાને રાખીને આ વૈદિક રાખડીઓ સ્થાનિક બજારો ઉપરાંત સુરત સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોકલવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગૌશાળા સંચાલકોના જણાવ્યા મુજબ, હજારોની સંખ્યામાં આ રાખડીઓ તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવામાં આવશે જેથી સામાન્ય નાગરિકો પણ આ અભિયાનનો સીધો હિસ્સો બની શકે. સરકાર સુધી જનશક્તિનો અવાજ પહોંચાડવાનો હેતુ આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ લોકોને 'ગૌમાતા આહ્વાન અભિયાન' સાથે જોડવાનો છે. રક્ષાબંધન પર જ્યારે લાખો ભાઈઓના કાંડા પર આ રાખડી બંધાશે, ત્યારે ગૌરક્ષાનો સંકલ્પ વધુ મજબૂત થશે. આ જનશક્તિ થકી સરકાર પર સકારાત્મક દબાણ ઊભું કરી ગાયને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો ગૌભક્તોનો અડગ નિર્ધાર છે.
Read full article on Divya Bhaskar