top
ગેરકાયદેસર હથિયાર સાથે 36 વર્ષનો યુવક ઝડપાયો:સતલાસણાના ગોઠડા સીમમાંથી બે દેશી બંદૂક, છરા, ગન પાઉડર અને 30 બંદૂક કેપ જપ્ત કરી
મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો અટકાવવા અને મિલકત વિરુદ્ધના ગુનાઓ રોકવા માટે ચાલી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોઠડાથી બે કિલોમીટર દૂર લડાઇવાળી નદીના બ્રિજ પાસે દરોડો પાડીને એક શખ્સની ગેરકાયદેસર હથિયારો સાથે અટકાયત કરી છે. બે દેશી બનાવટની બંદૂકો સાથે શખ્સ ઝડપાયો પોલીસે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ ગામના વતની વિક્રમજી પ્રધાનજી સોનાજી ઠાકોર (ઉંમર વર્ષ 36) નામના શખ્સને પ્લાસ્ટિકની થેલીમાં બે દેશી બનાવટની બંદૂકો, 22 લોખંડના છરા, ગન પાવડર અને 30 બંદૂક કેપ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલા શખ્સ પાસેથી જપ્ત કરવામાં આવેલા આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 10 હજાર આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે આ બંદૂકો અને દારૂગોળો તેને રંગપુર ભાલુસણાના વાસ (તા. દાંતા) ખાતે રહેતા દશરથજી રણછોડજી ઠાકોરે આપ્યો હતો. આ હકીકતના આધારે પોલીસે હથિયાર સાથે પકડાયેલા વિક્રમજી ઠાકોર અને તેને હથિયાર આપનાર દશરથજી ઠાકોર એમ બંને વિરુદ્ધ સતલાસણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar