top
પોર GIDCમાં દારૂના કટિંગ પર પોલીસનો સપાટો:7 લાખથી વધુના વિદેશી દારૂ સહિત 25.90 લાખનો મુદ્દામાલ જપ્ત, મહારાષ્ટ્રના પાલઘરથી દારૂ વડોદરા લવાયો હતો
વડોદરા નજીક આવેલી પોર-રમણગામડી GIDCમાં વિદેશી દારૂનું મોટું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે વરણામા પોલીસે સફળ દરોડો પાડીને લાખો રૂપિયાના દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુદ્રીકા કંપનીવાળી ગલીમાં ઓચિંતો છાપો મારી એક આઇસર ટ્રકમાંથી અશોક લેલેન્ડ દોસ્ત ગાડીમાં શરાબના બોક્સ ટ્રાન્સફર કરી રહેલા 2 ડ્રાઇવરોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન પોલીસે બંને વાહનોમાંથી 7.49 લાખથી વધુની કિંમતનો 4,641 નંગ વિદેશી દારૂ તેમજ વાહનો, મોબાઇલ અને રોકડ મળી કુલ 25.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આઇસરમાંથી નાની ગાડીમાં દારૂ પલટી કરતી વખતે પોલીસે કોર્ડન કર્યુ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પોર-રમણગામડી ઔદ્યોગિક વસાહતમાં મુદ્રીકા કંપનીથી આગળ પટેલ શોટ બ્લાસ્ટિંગ કંપની નજીક એક કેસરી રંગની આઇસર ટ્રક પાછળ વાદળી રંગની અશોક લેલેન્ડ દોસ્ત ગાડી ઊભી રાખીને દારૂના બોક્સની હેરાફેરી ચાલી રહી હતી. વરણામા પોલીસ ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના હેઠળ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ બંને વાહનોના ચાલકોને સ્થળ પરથી જ દબોચી લીધા હતા. વાહનોની તલાશી લેતાં આઇસર ટ્રકમાંથી 82 પેટીમાં રહેલો 4,33,920 ની કિંમતનો 2,750 નંગ દારૂ અને અશોક લેલેન્ડ દોસ્ત ગાડીમાંથી 57 પેટીમાં રહેલો 3,15,564ની કિંમતનો 1,891 નંગ દારૂ મળી આવ્યો હતો. મુંબઈ અને વડોદરાના બે ડ્રાઇવરોની ધરપકડ, વાહનો અને રોકડ જપ્ત પોલીસે ઘટનાસ્થળેથી આઇસર ટ્રકના ચાલક અબ્દુલ હકિમ અલી મોહમ્મદ (ઉં.વ. 29, રહે. મુંબઈ) તેમજ અશોક લેલેન્ડ દોસ્ત ગાડીના ચાલક સબ્બીરમીયા સલીમમીયા મલેક (ઉં.વ. 40, રહે. યાકુતપુરા, વડોદરા) ને કસ્ટડીમાં લીધા હતા. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી 2 મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા સાથે બંને મોટા વાહનો પણ પોલીસે સીઝ કર્યા છે. સુરતના વિવેક ગુપ્તા અને નરેશ યાદવ સામે ગુનો ઝડપાયેલા ડ્રાઇવરોની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આઇસર ટ્રકનો ચાલક આ દારૂનો મોટો જથ્થો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ગામે આવેલા એક મોટા ગોડાઉનમાંથી ભરીને લાવ્યો હતો. જ્યારે પોર GIDC ખાતે દારૂનું કટિંગ કરાવી માલ ખાલી કરાવવામાં સુરતના વિવેક સત્યનારાયણ ગુપ્તાની મુખ્ય ભૂમિકા સામે આવી છે. આ સમગ્ર કન્સાઇનમેન્ટ મંગાવનાર નરેશ યાદવ તેમજ મહારાષ્ટ્રના ગોડાઉન માલિકની ધરપકડ કરવા માટે વરણામા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આંતરરાજ્ય તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar