politics
ગીર સોમનાથ કલેક્ટરે સ્વાગત કાર્યક્રમમાં જનફરિયાદો સાંભળી:પ્રશ્નોની સમીક્ષા, અધિકારીઓને સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે સૂચના
ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટરે નાગરિકોની વિવિધ સમસ્યાઓ સાંભળી હતી અને તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. નાગરિકોએ રખડતા પશુઓની સમસ્યા, ગાંગેથાથી સરસ્વતી સીમશાળાને જોડતા રસ્તાનો પ્રશ્ન, ગ્રામ્ય સ્તરે ૧૯૬૨ હેલ્પલાઈન કાર્યરત કરવા અંગે, અકસ્માત વીમાની રકમ, વીજ કનેક્શન મેળવવામાં મુશ્કેલી અને વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા. કલેક્ટરએ 'નાગરિક પ્રથમ' અભિગમ દાખવી, અરજદારોની હાજરીમાં સંબંધિત અધિકારીઓ સાથે તમામ પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે અરજીઓનો ત્વરિત નિકાલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરે સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી કે નાગરિકો દ્વારા કરાયેલી રજૂઆતો પર યોગ્ય પગલાં લેવામાં આવે અને જનહિતલક્ષી સમસ્યાઓનું ઝડપથી નિવારણ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકહિતલક્ષી યોજનાઓના સરળ અમલીકરણ માટે રાજ્ય સરકારની સૂચના અનુસાર યુનિવર્સલ એફિડેવિટનો અમલ સરળ રીતે થવો જોઈએ. આનાથી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો ત્વરિત લાભ મળી શકશે. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારીઓ કે.આર. પરમાર અને જે.વી. કાકડિયા, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar