politics
Gir Somnathમાં માઇનિંગ કંપની સામે ખેડૂતોનો રોષ, સિંગસરમાં મોટી સંખ્યામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલા સિંગસર ગામે ખાનગી કંપનીની માઇનિંગ પ્રવૃત્તિ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપનીની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરવા માટે સિંગસર ગામના મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કંપની સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને બેફામ રીતે માઇનિંગનું કામ કરી રહી છે જેના કારણે ગામમાં ભારે ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. પાણીના તળ ઊંડા જતાં પર્યાવરણ અને ખેતીને નુકસાનની આશંકા ચાલુ વર્ષે વિસ્તારમાં વરસાદ ખેંચાવાના કારણે પહેલાથી જ ભૂગર્ભ જળસ્તર (પાણીના તળ) ખૂબ જ ઊંડા જતા રહ્યા છે. આવી ગંભીર સ્થિતિ વચ્ચે પણ ખાનગી કંપની દ્વારા પોતાની માઇનિંગ લીઝમાંથી ખોદકામ કરવા માટે મોટા પ્રમાણમાં પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે આ રીતે અનધિકૃત રીતે પાણી બહાર ફેંકવાથી આજુબાજુના ખેતરોના કૂવા સુકાઈ જશે તેમજ સ્થાનિક ખેતી અને પર્યાવરણને કાયમી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ કંપનીની મનસ્વી કામગીરી સામે આકરા પાણીએ થયેલા ખેડૂતોએ સરકારી તંત્ર પાસે માંગ કરી છે કે આ માઇનિંગ સાઇટની કામગીરીની તાત્કાલિક અસરથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જો તપાસ દરમિયાન કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવે, તો તેની સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. ખેડૂતોના આ ઉગ્ર વિરોધ અને આંદોલનની ચીમકી બાદ હવે સ્થાનિક તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ પણ વાંચો : Kutchના જખૌ દરિયાકાંઠે ચકચાર, શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા
Read full article on Sandesh