crime
ગોધરામાં બંધ મકાનમાંથી ₹30 હજારની ચોરી:સમ્રાટનગર-શ્રીજીનગરમાં તસ્કરો સક્રિય, નાઇટ પેટ્રોલિંગ વધારવા માંગ
ગોધરા શહેરના સમ્રાટનગર અને શ્રીજીનગર વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. સમ્રાટનગરના એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ₹30 હજાર રોકડા સહિતનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. મળતી વિગતો અનુસાર, 17 ઓગસ્ટની મોડી રાત્રે તસ્કરો સમ્રાટનગર વિસ્તારમાં ઘૂસ્યા હતા. તેમણે બંધ મકાનમાંથી રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી. ત્યારબાદ તસ્કરો નજીકની શ્રીજીનગર સોસાયટીમાં પણ પહોંચ્યા હતા. તસ્કરોની આ સમગ્ર હિલચાલ સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ચોરીની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવ બાદ રહીશો દ્વારા ગોધરા ‘એ’ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.ને લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવી છે. રહીશોએ બામરોલી રોડ પર રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ તાત્કાલિક વધારવાની માંગ કરી છે. તેમજ, જે સ્થળોએ પોલીસ પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે, ત્યાં પોલીસ જવાનોની નિયમિત તૈનાતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તો આવી ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય છે અને રહેવાસીઓમાં સુરક્ષાની ભાવના મજબૂત બની શકે છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે અને તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.
Read full article on Divya Bhaskar